- 1 લી ફેબુ્રઆરીથી કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી વધારાના નવા કાયદાનો અમલ : 72,000 હેક્ટરના તમાકુના પાકને કોણ ખરીદશે ?
- જીએસટીમાં વધારો અને તમાકુની પ્રોડક્ટ પર સંભવિત અંકુશના નિર્ણય સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ : જિલ્લાના તમાકુના 1,240 થી વધુ પ્રોસેસિંગ યુનિટ્સના માલિકોના ધંધા ઉપર અને કારીગરોના પણ જીવન નિર્વાહ પર અસર
આણંદ : આણંદ જિલ્લામાં તમાકુના વેપારીઓમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા જીએસટી વધારાને લઈને ભારે ફાળ ફેલાઈ છે. ૧ ફેબુ્રઆરી, ૨૦૨૬થી અમલી બનનારા નવા ટેક્સ માળખાને કારણે આગામી સીઝનનો તૈયાર પાક વેપારીઓ ખરીદશે કે કેમ તે અંગે મોટી અવઢવ સર્જાઈ છે. આણંદ જિલ્લામાં રવી સીઝન દરમિયાન અંદાજે ૭૨,૦૦૦ હેક્ટરથી વધુ જમીનમાં થયેલા તમાકુના વાવેતર બાદ હવે લાખો ટન ઉત્પાદનને ખરીદનાર કોણ હશે તે મોટો પ્રશ્ન છે. જિલ્લાના અંદાજિત ૨.૪ લાખ ખેડૂતો, જેઓ તમાકુને 'કાચું સોનું' માનીને આખા વર્ષનો જીવન નિર્વાહ કરે છે, તેમના માથે ચિંતાના વાદળો છવાયા છે.
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા ટેક્સમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ કાયદાકીય ફેરફારોને કારણે વેપારીઓ પર ટેક્સનું ભારણ અસહ્ય બન્યું છે. જેમાં તમાકુ અને તેની બનાવટો પર અગાઉ જે ૨૮ ટકા જીએસટી હતોે, તે વધારીને હવે ૪૦ ટકા (૨૦ ટકા સીજીએસટી + ૨૦ ટકા એસજીએસટી) કરી દેવામાં આવ્યો છે. સિગારેટ અને ચાવવાની તમાકુ (ઝરદા) પર નવી એક્સાઇઝ ડયૂટી લાગુ કરવામાં આવી છે, જે રૂ. ૨,૦૫૦થી રૂ. ૧૧,૦૦૦ પ્રતિ ૧,૦૦૦ સ્ટિક સુધી હોઈ શકે છે. તેમજ પાન મસાલા અને ગુટખાના ઉત્પાદકો માટે મશીનની ઉત્પાદન ક્ષમતાના આધારે ફિક્સ ટેક્સ વસૂલવાનું નક્કી કરાયું છે, જેનાથી નાના વેપારીઓ માટે બજારમાં ટકવું મુશ્કેલ બનશે.
આણંદ જિલ્લામાં અંદાજે ૧,૨૪૦થી વધુ તમાકુની ખળીઓ (પ્રોસેસિંગ યુનિટ્સ) આવેલી છે. અહીં પત્તી પાડવી, ચારણ સહિતની પ્રોસેજ થાય છે. વેપારીઓનું કહેવું છે કે જો રૂ. ૧૦૦ની ખરીદી પર રૂ. ૬૮ જેટલો કુલ ટેક્સ (જીએસટી+ એક્સાઇઝ + સેસ) ભરવો પડે, તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા અશક્ય છે.
સમગ્ર ગુજરાતમાં આણંદ જિલ્લો તમાકુના ઉત્પાદનમાં સૌથી મોખરે ગણાય છે. ચાલુ વર્ષે રવી પાકમાં આણંદ જિલ્લામાં ૭૨ હજાર હેક્ટરથી વધુ દેશી કાળિયું, કલકત્તી તમાકુનું વાવેતર કરવામાં આવેલું છે. આણંદ જિલ્લાના અંદાજિત ૨.૪ લાખ ખેડૂતો મુખ્યત્વે 'કાચું સોનું' ગણાતા તમાકુના પાક ઉપર પોતાના આખા વરસની આથક સ્થિતિના લેખાજોખા કરતા હોય છે. આણંદ જિલ્લામાં ફેબુ્રઆરીના અંતથી તમાકુનું ઉત્પાદન શરૂ થઈ જતું હોય છે અને ખેતરમાંથી તમાકુ બહાર લાવવામાં આવતી હોય છે. તેવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં વધારો કરતો હવે ખેડૂતો પાસેથી વેપારીઓ તમાકુ કેવી રીતે ખરીદશે તે પણ મોટી ચિંતાનો વિષય બની ગયો છે.
25 વિઘામાં તમાકુ વાવી છે તેનું હવે શું કરીશું ? : ખેડૂત
પામોલના ખેડૂતો અમરીશ પટેલે જણાવ્યું હતું કે, તમાકુનો પાક પાકવાની તૈયારીમાં છે. પૈસા ના મળે તો અમારે જવું ક્યાં ખેડૂતોને બહુ તકલીફ છે. ૨૫ વિઘામા તમાકુ વાવી છે તે ક્યાં નાખવી. ડાંગર ઘઉં કે બાજરી હોય તો ઘરમાં કે ગોડાઉનમાં મૂકી શકાય પણ તમાકુ ક્યાં ભરવી. વેપારી અમારી તમાકું લેવાના નથી. ખેડૂતોને કરવું શું? જીવન નિર્વાહ ક્યાંથી કરવો.
આણંદ જિલ્લાના ખેડૂતો આંદોલન કરશે : ટોબેકો એસોસિએશન ચેરમેન
ચરોતર ટોબેકો એસોસિએશન એન્ડ ગ્રોવર કમિટીના ચેરમેન સંદીપ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, તમાકુમાં ૪૦ ટકા જીએસટી, ૧૮ ટકા સેસ, ૧૮ ટકા સેસ ઉપર ૪૦ ટકા જીએસટી લાદવાથી હવે તમાકુ ખરીદી વેપારીઓ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આણંદ જિલ્લા ટોબેકો એસોસિએશન સહિત ગુજરાતભરના ઊંઝા, મહેસાણા અને અન્ય જિલ્લાઓના વેપારીઓ ખેડૂતો દ્વારા નાણામંત્રીને નવા ટેક્સ સંબંધિત લેખિત જાણ પણ કરી છે, પણ હજુ સુધી તેનો કોઈ જવાબ આવ્યો નથી. જેથી પહેલી ફેબુ્રઆરી બાદ સમગ્ર આણંદ જિલ્લા સહિત ગુજરાતમાં તમાકુ પકાવતા ખેડૂતો અને વેપારીઓ રોડ ઉપર આવી જઈને ઉગ્ર આંદોલન કરશે તે માટેનું આયોજન પણ ગુજરાત ભરના તમાકુના વિવિધ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.


