ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા અને મસાજ પાર્લર સામે ફરી તવાઈ
પોલીસ અને તંત્રની કાર્યવાહી છતાં નોંધણી નહીં કરાવતા
ઈન્ફોસિટી પોલીસે સરગાસણ અને કુડાસણમાં મંજૂરી વગર ચાલતા બે સ્પાના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્પા અને મસાજ પાર્લર સામે પોલીસ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ છતાં તેની નોંધણી નહીં કરાવનાર આવા મસાજ પાર્લરનો સામે ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઈન્ફોસિટી પોલીસે સરગાસણ અને કુડાસણમાં મંજૂરી વગર ચાલતા બે સ્પાના સંચાલકો સામે ગુનો દાખલ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે સ્પા અને મસાજ સેન્ટરો ખુલી
ગયા છે ત્યારે તેમાં દેહ વેપાર થતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ગાંધીનગર જિલ્લામાં
પણ છેલ્લા સમયથી પોલીસ દ્વારા અલગ અલગ સ્પા અને મસાજ સેન્ટરોમાં તપાસ કરવામાં આવી રહી
છે. બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા
પણ મસાજ સેન્ટરોના માલિકને નોંધણી કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
છે. તેમ છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. ત્યારે સરગાસણના પ્રમુખ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં
ચાલતા નાસા ઇન્ટરનેશનલ સ્પામમાં પણ ઇન્ફોસિટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને
અહીં કોઈ જ પ્રકારની નોંધણી નહીં કરવામાં આવી હોવાનું જણાવતા તેના માલિક કલ્પેશ શંકરભાઈ
ડીંડોર રહે, ડુંગરપુર
રાજસ્થાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ કુડાસણ ખાતે આવેલા પ્રમુખ
ઓર્બીટ મોલમાં દુકાન નંબર ૨૫૩માં ચાલતા સ્ટાર સ્પા માં પણ તપાસ કરવામાં આવી હતી અહીં
પણ કોઈપણ પ્રકારની નોંધણી નહીં કરાવવામાં આવી હોવાનું બહાર આવતા તેના સંચાલક પોર ગામમાં
રહેતા દિનેશ ઉમેદભાઈ ઘેલોટ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ
સ્પાની સાથે જિલ્લામાં ગેરકાયદેસર રીતે સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ તવાઈ
બોલાવવામાં આવી રહી છે અને હોટલ ગેસ્ટ હાઉસમાં રહેતા મુસાફરોનું પથિક સોફ્ટવેરમાં નોંધણી
નહીં કરનાર હોટલના સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસની
આ કામગીરીને પગલે હાલ તો આવા સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.