Get The App

શાસન તરફી લહરના અભાવમાં ટાર્ગેટેડ મતો નિર્ણાયક બની શકે

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
શાસન તરફી લહરના અભાવમાં  ટાર્ગેટેડ મતો નિર્ણાયક  બની શકે 1 - image

2021માં 75 ટકાના મત ન મળ્યા છતાં ભાજપને બધી મનપામાં સત્તા  : આ વખતની મહાપાલિકાની ચૂંટણીમાં પણ બહુમતિ મતદારોમાં લોકપ્રિયતા નહીં પણ બુથ મેનેજમેન્ટ જ જીતશે તેવી સંભાવના 

 રાજકોટ, : આગામી તા. 26-4-26ના મહાનગરપાલિકાઓની ચૂંટણીના યોજાનાર મતદાન આડે માત્ર  3 દિવસ બાકી છે ત્યારે લોકોમાં વ્યાપક ચાહના ધરાવતા અને પ્રજા વચ્ચે સતત સક્રિય નેતાઓને બદલે મામકાઓને વધુ ટિકીટ આપી છે અને સાથે ગત શાસનકાળમાં લોકોની પાયાની સમસ્યા ઉકેલાઈ નથી ત્યારે ઉત્સાહનો, લહરનો અભાવ જોવા મળે છે. શાસન તરફી લહર ન હોય ત્યારે પણ ચૂંટણીમાં હારજીતનો નિર્ણય આશરે 30 ટકા જેટલા ટાર્ગેટેડ મતો ખેંચી લાવવાનું વલણ ફરી નિર્ણાયક બને તેવા અણસાર છે.

ઈ.સ. 2021ની ચૂંટણીમાં ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર એ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી તેમાં મ્યુનિ.કોર્પો.નું સરેરાશ મતદાન માત્ર 46.08 ટકા જેવું નિરસ રહ્યું હતું. પરંતુ, આ થયેલા મતમાં ભાજપે 52.90 ટકા એટલે કે કૂલ મતાધિકાર ધરાવતા મતદારોના 24 ટકા મતો જ મેળવ્યા હતા અને છતાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય થયો હતો અને જો જીતા વો સિકંદરના ન્યાયે પ્રચંડ જનસમર્થનના દાવાઓ થવા લાગ્યા.

આ વખતે પણ લોકોમાં ઉપરાંત ભાજપમાં આંતરિક પણ અસંતોષ અને નારાજગી છે તો સામે લાંબા સમયથી સત્તાની બહાર રહેલ કોંગ્રેસમાં ઉમેદવારો પર્યાપ્ત સંખ્યામાં લોકોના દિલ કે ઘર સુધી પહોંચી શક્યા નથી. ઉપરાંત ગત ચૂંટણીની જેમ ત્રીજા પક્ષથી વિપક્ષી મતોના વિભાજનની પણ ચિંતા છે. આ સ્થિતિમાં ક્યા ઉમેદવાર પોતાની તરફેણમાં 'જીતવા માટે જરૂરી ' મત ઈ.વી.એમ.માં નંખાવી શકે છે તેના ઉપર જ એટલે કે બુથ મેનેજમેન્ટ ઉપર જ હારજીતનો નિર્ણય રહેશે.