૪૦ લાખ વૃક્ષ વાવવાનુ લક્ષ્યાંક , પ્લાન્ટેશન સપ્લાય-લેબર ચાર્જ અલગ ચૂકવી પાંચ કરોડ GST બચાવાશે

અમદાવાદ,બુધવાર,18 જુન,2025
અમદાવાદમાં આ ચોમાસામાં ૩૧ ડિસેમ્બર સુધીમાં ૪૦ લાખ વૃક્ષો
વાવવાનુ લક્ષ્યાંક નકકી કરાયુ છે.બગીચા ખાતા દ્વારા કરાયેલા ટેન્ડરમાં સ્ટેન્ડિંગ
કમિટીએ સુધારો કર્યો છે. પ્લાન્ટેશન સપ્લાય અને લેબર ચાર્જ અલગથી ચૂકવવાનો નિર્ણય
કરતા રુપિયા પાંચ કરોડ જેટલા જી.એસ.ટી.ની
મ્યુનિસિપલ કોર્પોરેશનને બચત થશે.બીજી તરફ બગીચા ખાતે ગત વર્ષે એજન્સીઓને
ચૂકવવામાં આવેલા જી.એસ.ટી.ની રીકવરી માટે નોટિસ આપવાનુ શરુ કર્યુ છે.
મિશન ફોર મિલીયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત ૫.૨૫ લાખ સ્કેવર મીટર
જગ્યામાં વૃક્ષો રોપવા બગીચા ખાતાએ ટેન્ડર
કર્યુ હતુ.જેમાં આનંદ ગાર્ડન નર્સરી,
ધરતી નર્સરી એન્ડ ફાર્મ,
હરિકૃષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન
ઉપરાંત નિલકંઠ લેન્ડ સ્કેપ એસોસિએટસને એક સ્કેવરમીટર જગ્યામાં ચાર રોપા લેખે ૨૧ લાખ રોપા રોપવા રીક્રીએશન
કમિટીએ મંજુરી આપી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,નર્સરીમાં
જી.એસ.ટી.લાગતો નથી.ઉપરાંત એજન્સીને ૫૦ ટકા પેમેન્ટ રોપા વાવે એ પછી તથા ૪૦ ટકા
પેમેન્ટ બે વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરીનું મૂલ્યાંકન કરીને અપાશે.
ઉપરાંત પ્લાન્ટેશન અને લેબર સપ્લાય ચાર્જ
અલગથી ચૂકવવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને રુપિયા પાંચ કરોડથી વધુ જી.એસ.ટી.ની બચત
થાય એમ છે.બગીચા ખાતાના અધિકારી અમરીશ પટેલે કહયુ, ગત વર્ષે એજન્સીઓને ચૂકવવામાં આવેલા જી.એસ.ટી.ની રીકવરી
કરવા નોટિસ આપવાનુ શરુ કર્યુ છે. જો કે કઈ એજન્સી પાસેથી કેટલી રકમ વસૂલાશે એ અંગે
તેઓ વિગત આપી શકયા નહતા.નોંધપાત્ર બાબત એ છે કે, ગત વર્ષ સુધી બગીચા ખાતા દ્વારા પ્લાન્ટેશન માટે ઝોન મુજબ
ટેન્ડર કરવામાં આવતા હતા.આ વર્ષે એક જ ટેન્ડર કરવામાં આવ્યુ છે.
વન વિભાગમાંથી રોપા મેળવી ૮ કરોડથી વધુની બચત કરાશે
મિશન ફોર મિલીયન ટ્રી ઝૂંબેશ અંતર્ગત રાજય સરકારના વન વિભાગ પાસેથી ચાર રુપિયાના
ટોકન દરથી ૧૪ લાખ રોપા અને ઓર્ગેનિક ખાતર મેળવી રુપિયા ૮ કરોડથી વધુની આર્થિક બચત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.








