ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે
21 દિવસથી ટેન્કર લટકી રહી છે : ટીમે બ્રિજની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો
હાઈ રેસ્ક્યૂની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને સોંપાઈ : રેસ્ક્યૂમાં સિંગાપોરથી ઈજનેરો આવશે
આણંદ: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ૨૧ દિવસથી લટકી રહેલી ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારવામાં આવશે. આ હાઈ રેસ્ક્યૂની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં સિંગાપોરથી ઈજનેરો પણ આવશે. આજે ટીમે બ્રિજની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો હતો.
મહી નદીના ગંભીરા બ્રિજની હોનારતમાં પુલ પર લટકી રહેલી ટેન્કરને નીચે ઉતારવામાં વહીવટી તંત્રને મુશ્કેલીઓ સર્જાઈ હતી. ૨૧ દિવસથી લટકી રહેલી ટેન્કરને ઉતારવાની જવાબદારી સરકારે આણંદ જિલ્લા કલેક્ટરને સોંપી છે. ત્યારે હવે કલેક્ટર કચેરી દ્વારા આગામી સપ્તાહમાં ટેન્કરને ઉતારવાની કામગીરી માટે આયોજન કરાશે.
ગંભીરા બ્રિજ તૂટયા બાદ એક તરફ ટેન્કર લટકી ગઈ હતી. ટેન્કર માલિકની અજૂઆતો છતાં ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્ર એક બીજા ઉપર કામગીરી અંગે ઢોળતા હતા. બાદમાં સરકારે આણંદ જિલ્લા કલેક્ટરને કામગીરી સોંપી હતી.
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટેન્કર ઉતારવા પોરબંદરની ટીમે આજે બ્રિજની મુલાકાત લીધી હતી અને ટેન્કર નીચે ઉતરવા સંદર્ભે સર્વે શરૂ કર્યો હતો. ભારતમાં હાઈ રેસ્ક્યૂ કરતી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને સરકારે કામગીરી સોંપી છે. ટીમમાં વિદેશના તેમજ સિંગાપોરના એન્જિનિયરો પણ આવવાના છે. આ રેસ્ક્યૂ ઓપરેશન જોખમી છે પરંતુ, માનવની સંડોવણી પણ થવાની છે. ત્યારે જીવનું જોખમ ન થાય તે રીતે આયોજન કરાયું છે. બલૂન ટેકનોલોજી અને નેના મીટરની થીકનેસવાળી ટયૂબો મૂકીને ટેન્કરને ઉપાડી લેવામાં આવશે.
આ રેસ્ક્યૂમાં કોઈપણ ક્રેન વાપરવામાં આવશે નહીં અને બલૂન ટેકનોલોજીથી ટેન્કરનું રેસ્ક્યૂ કરાશે. ટીમ દ્વારા સર્વે શરૂ કરી દેવાયો છે. બે- ચાર દિવસમાં ટેન્કરને નીચે ઉતારી દેવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવાશે.
નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યૂ ટીમ દ્વારા અનુભવ પ્રમાણે કામગીરી કરાશે.