જેકેટ ગંદુ થયું છે, પૈસા પડયા છે કહી નજર ચૂકવી કિંમતી સામાન ઉઠાવતી તામિલનાડુની ત્રીચી ગેંગ ઝડપાઇ

સાવલી તા.૫ નજર ચૂકવી ચોરી કરતી ગેંગના મહારાષ્ટ્ર અને તામિલનાડુના શખ્સોની નાયડુ, ત્રીચી ગેંગના બે સભ્યોને સાવલી પોલીસે ઝડપી પાડયા છે. બંને રીઢા આરોપીઓનો ફિલ્મી ઢબે પીછો કરી ઝડપીને પોલીસે પાંચથી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
સાવલીમાં મોપેડ પર જઈ રહેલા બે ઈસમો શંકાસ્પદ જણાતા પોલીસે તેમને ઉભા રહેવા ઈશારો કર્યો હતો. પરંતુ બંનેએ વાહન ઉભું રાખવાને બદલે ભાગી જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી તેમને ઓવરટેક કરી દબોચી લીધા હતા. બંનેની પ્રાથમિક પૂછપરછ કરતા વડોદરા શહેર અને સાવલી ભાદરવા ચોકડી પરથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસ પૂછપરછમાં બંનેના નામ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ (રહે.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને કન્ના રાજારામ તુટ્ટીનાયકર (રહે.તિરૃચિરાપલ્લી, તામિલનાડુ) જાણવા મળ્યા હતાં. બંનેની ચોરી કરવા માટેની એમઓ જાણીને પોલીસ પણ વિચારમાં પડી ગઇ હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેંગ અત્યંત ચાલાકીથી ચોરી કરતી હતી. આરોપીઓ રસ્તા પર પસાર થતા લોકોનું ધ્યાન ભટકાવવા માટે તમારું જેકેટ ગંદુ થયું છે અથવા તમારા પૈસા નીચે પડયા છે તેમ કહેતા હતા.
જેવી વ્યક્તિ તેની સફાઈમાં કે પૈસા શોધવામાં વ્યસ્ત થાય, કે તરત જ આરોપીઓ ગાડીના કાચ તોડી કે નજર ચૂકવીને કિંમતી સામાન ભરેલી બેગ લઈને ફરાર થઈ જતા હતા. સાવલી પોલીસે ચોરીની એક્ટિવા તથા રોકડ રૃા.૧૦ હજાર મળી કુલ રૃા.૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાવલી, આણંદના ઉમરેઠ અને ભાલેજ, વડોદરાના જવાહરનગર તેમજ ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ ૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપી દેવા નાયડુ અગાઉ ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ૮ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ રેકોર્ડ પર ખુલ્યું છે.









