લખતર મામલતદાર કચેરીમાં તાલુકા સંકલન સમિતિની બેઠક મળી
- રોડ, પાણી, પીજીવીસીએલ સહિતના પ્રશ્નો રજૂ કરાયા
- ચોમાસાની સિઝનમાં કર્મચારીઓને પરવાનગી વગર હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ
સુરેન્દ્રનગર : લખતર મામલતદાર કચેરીમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રોડ, રસ્તા, પીવાનું પાણી, પીજીવીસીએલ, નદીના પાળાનું કામ સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં લખતર મામલતદાર, લખતર તાલુકા વિકાસ અધિકારી, લખતર તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના વિવિધ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં તાલુકાનાં વડેખણ ગામે પીવાના પાણી સમસ્યા, ઢાંકી ગામે ઉમઈ નદીના પાળાનું કામ કરવા, લખતરના શિયાણી દરવાજા પાસે નવા સીસી રોડની અધુરી કામગીરી, લખતર સહયોગ વિધાલય પાસે જાહેર રોડ ઉપર ટીસી યોગ્ય જગ્યાએ ફિટ કરવું, નર્મદા કેનાલની અંદર જાળી ઝાંખરા સાફ સફાઈ કરીને બાજુમાં રોડ ઉપરથી કચરો ભરાવા જેવા પ્રશ્નો ગાજ્યા હતાં. જ્યારે ધારાસભ્ય તરફથી બિનઅધિકૃત ગેરરીતિ બાબતનું કામચલાઉ આકારણી બિલમાં ખોટી રકમવાળું બિલ આપવા બાબત, વિઠ્ઠલગઢ ગામે સુરેન્દ્રનગર-વિરમગામ સ્ટેટ હાઇવે ભારત પેટ્રોલપંપ સામે બમ્પ મુકવા બાબત જેવા પ્રશ્નો ઉઠયા હતાં. બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી ઉપસ્થિત થયેલા પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે હાલમાં ચોમાસાની સીઝન દરમિયાન કોઈ કર્મચારીઓને અધિકારીઓની પરવાનગી સિવાય હેડક્વાર્ટર ન છોડવા પ્રાંત અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી.