પાણી બંધ કરાવવા ગયેલા તલાટીને લાફો મારી દીધો
સ્થાનિક રહીશે તલાટી અને બે પંપ ઓપરેટરોને ગાળો બોલી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,કરચીયા ધનકુવા વિસ્તારમાં આવેલા પાણીના સ્ટેન્ડ પોસ્ટ પર પાણી બંધ કરવવા ગયેલા તલાટીને સ્થાનિક રહીશે લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે જવાહર નગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સયાજીગંજ પરશુરામ નગર સોસાયટી પાસે હૈદરભાઇની ચાલીમાં રહેતા કરચીયાના તલાટી કમ મંત્રી વિકાસ સંતરામભાઇ યાદવે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારી પાસે પાણી બાબતે રજૂઆત હતી કે, પાણી બે વાગ્યે બંધ થવું જોઇએ છતાં બંધ થતું નથી અને સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ રહે છે. જેથી, ગઇકાલે હું, કરચીયા પંચાયતના ધનકુવા વિસ્તારના પંપ ઓપરેટર હેમાબેન પટેલ, કરચીયા વિસ્તારના પંપ ઓપરેટર મેહુલ પટેલ તથા માજી સરપંચ મહેન્દ્ર રાવજીભાઇ પટેલ ધનકુવા વિસ્તારમાં આવેલ પાણીના સ્ટેન્ડ પોસ્ટ પર બપોરના બે વાગ્યે ગયા હતા.ત્યાં જઇને મેં પાણી બંધ કરવાનો સમય થઇ ગયો હોઇ પાણી બંધ કરાવું છું. તેવું કહેતા ત્યાં હાજર ત્રણ વ્યક્તિઓ પૈકી જીતુ ઇશ્વરભાઇ માળી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને અમને ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે,પાણી બંધ નહીં થાય. તમારાથી થાય તે કરી લો.જીતુ માળીએ ઉશ્કેરાઇને મારી પાસે આવીને મને લાફો મારી દીધો હતો તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.