કયુ આર કોડ મારફત તલાટીએ રૂા. 1500ની લાંચ સ્વીકારી
ભ્રષ્ટ સરકારી બાબુઓને ઓનલાઈન લાંચની રકમ લેવાનો પણ છોછ નથી : સમાજ કલ્યાણ વિભાગમાંથી લગ્ન માટે સહાય મેળવવા જરૂરી મેમોરેન્ડમ માટે પરબવાવડીના તલાટીએ લાંચ માગી હતી
રાજકોટ, : રાજયના ભ્રષ્ટ સરકારી બાબુઓ હવે બેફામ બની ગયા છે. જેને કારણે તેમને લાંચની રકમ ઓનલાઈન લેવામાં પણ કોઈ છોછ રહ્યો નથી. ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી જયદિપ જનકભાઈ ચાવડાને એસીબીએ કયુ આર કોડ મોકલી રૂા. 1500ની લાંચ લેતાં ઝડપી લેતાં ચર્ચા જાગી છે. એસીબીના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટમાં રહેતાં ફરિયાદીના કૌટુંબિક ભાઈએ આંતરજ્ઞાાતિય લગ્ન કર્યા હતા. જેને કારણે તેને સમાજ કલ્યાણ વિભાગમાંથી રૂા. 2.50 લાખની સહાય મળવાપાત્ર હતી. આ માટે જયાં લગ્ન કર્યા હોય ત્યાંના તલાટી કમ મંત્રીના મેમોરેન્ડમની જરૂરિયાત હતી. જેથી ફરિયાદી પરબવાવડી ગામના તલાટી કમ મંત્રી જયદિપ ચાવડાને મળતાં તેણે ધક્કા ખવડાવવાનું શરૂ કર્યું હતું. આખરે પોત પ્રકાશી રૂા. 1500ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી રાજકોટ એસીબીના ઈન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો. પરિણામે એસીબીના પીઆઈ આર.આર. સોલંકીએ ટ્રેપ ગોઠવી હતી. નકકી થયા મુજબ ફરિયાદીને તલાટી કમ મંત્રી જયદિપ ચાવડાએ કયુ આર કોડ મોકલી આપ્યો હતો. જેના મારફત ફરિયાદીએ રૂા. 1500 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. રકમ મળી ગયાનો તેને મેસેજ પણ મળ્યો હતો. આ ટ્રાન્જેકશન પૂરૂ થતાં જ ટ્રેપમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તલાટી કમ મંત્રી જયદિપ ચાવડાને ઝડપી લીધા હતા. તેના વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.