તક્ષશિલા આર્કેડ આગકાંડના આરોપી અતુલ ગોરસાવાલાને હાઇકોર્ટના જામીન સામે સુપ્રીમમાં અપીલ
વાલીઓની અપીલ અંગે તા.31 સુનાવણી
- સુરત,તા.30 જુલાઈ 2020ગુરુવાર
તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં જેલવાસ ભોગવતા સુરત મ્યુ.કોર્પો.ના આરોપી અધિકારી અતુલ ગોરસા વાલા ને ચાર્જશીટ બાદ જામીન આપતા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે વાલીઓએ સુપ્રિમ કોર્ટમાં કરેલી અપીલની સુનાવણી આવતી કાલે તા.31 રોજ હાથ ધરાશે.
સુરતના બહુચર્ચિત એવા તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં સંડોવાયેલા સુરત મહાનગર પાલિકાના આરોપી અધિકારી અતુલ ગોરસાવાલાએ તાજેતરમાં ચાર્જશીટ બાદ સુરત સેશન્સ કોર્ટે નકારાયેલા જામીન હુકમથી નારાજ થઈ હાઈકોર્ટમાં સૌ પ્રથમવાર રેગ્યુલર જામીન માટે ધા નાખી હતી. જેની સુનાવણી બાદ હાઈકોર્ટે આરોપી અતુલ ગોરસાલાની ગુનાઈત ભૂમિકા અન્ય આરોપીઓથી અલગ હોવાની બચાવપક્ષની દલીલ ધ્યાને લઈ શરતોને આધીન જામીન મંજુર કર્યા હતા.
જેથી ગુજરાત હાઈકોર્ટના ઉપરોક્ત ચુકાદાથી નારાજ થઈ ભોગ બનનાર બાળકોના વાલીઓએ તેની કાયદેસરતાને પડકારતી અપીલ સુપ્રિમમાં કોર્ટમાં કરીને નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમને રદ કરવા માંગ કરી છે. જેથી તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં પોતાના બાળકોને ગુમાવનાર વાલીઓની અપીલની સુનાવણી સંભવતઃ આવતી કાલે તા.31 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.