વડોદરામાં કમાટીબાગ ઝૂમાં ગરમી સામે રક્ષણ આપવા પશુ-પંખીઓની કાળજી લેવાનું શરૂ
Vadodara : વડોદરામાં હાલ 42 ડિગ્રી ગરમી પડી રહી છે. ત્રાહિમામ ગરમીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ ખાતેના ઝૂમાં પશુ પંખીઓને ગરમીથી બચાવવા અને કોઈ આડઅસર ન થાય તે માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. પશુ-પક્ષીના પિંજરા ઉપર સૂકા ઘાસના પુળા, ત્રાલસા વગેરે બિછાવીને તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે પિંજરામાં ઠંડક રહે છે. દિવસમાં પાણી છાંટવાની કામગીરી બે વખત કરવામાં આવે છે.
ઉનાળાની સિઝનમાં પશુ પક્ષીઓને ડિહાઇડ્રેશનની તકલીફ ન થાય તેને ધ્યાનમાં રાખીને સીઝનલ ફ્રૂટ અને શાકભાજી આપવામાં આવે છે. શક્કરટેટી, તરબૂચ, કાકડી, કેરી વગેરે ખાસ આપવામાં આવે છે. પાણીમાં વેટરનેરી સપ્લીમેન્ટ આપવામાં આવે છે. જેનાથી પાણી સ્વાદિષ્ટ બનવાની સાથે પ્રાણીઓને ડીહાઇડ્રેશન ન થાય. રોજ 125 કિલો બરફ મંગાવવામાં આવે છે. પ્રાણીઓને તેના ટુકડા કરીને આપવામાં આવે છે. બરફ ચાટીને પ્રાણીઓ ઠંડક મેળવે છે. ગરમી સામે પશુ પંખીઓ અને રક્ષણ આપવાની આ વ્યવસ્થા વરસાદની સિઝન શરૂ ન થાય ત્યાં સુધી રાખવામાં આવશે. કમાટીબાગના ઝુમાં 1290 પશુ પક્ષીઓ અને સરીસૃપો છે.