Get The App

ડેપોમાં તકનો લાભ લઇ ગઠિયાઓએ પાંચ મુસાફરના મોબાઈલ તફડાવ્યા

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
ડેપોમાં તકનો લાભ લઇ ગઠિયાઓએ પાંચ મુસાફરના મોબાઈલ તફડાવ્યા 1 - image


ડેપોમાં અવરજવર કરતા મુસાફરો રામભરોસે  સુરક્ષા માટે તંત્ર દ્વારા ક્યારે આયોજન ગોઠવાશે

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના એસટી ડેપોમાં અવરજવર કરતા મુસાફરો માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા તેનો ભોગ બનવું પડે છે.સામાન્ય દિવસોમાં પણ ગઠિયાઓ સક્રિય થઇ જતા હોય છે અને મુસાફરને નિશાન બનાવીને રોકડરકમ તેમજ મોબાઈલ અને પાકીટની ચોરી કરીને પલાયન થઈ જતાં હોય છે.ત્યારે મુસાફરો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે. પરંતુ શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો સામનો કરવો પડે છે. વેકેશન તેમજ રજાના અને સામાન્ય દિવસોમાં ગઠીયા સક્રિય થઈ જાય છે અને મુસાફરોને નિશાન બનાવીને પલાયન થઈ જાય છે.તો બીજી તરફ શુક્રવારે દિવસ દરમિયાન ૫ મુસાફરના મોબાઈલ ચોરી કરીને ગઠીયા ફરાર થઈ ગયા છે. ભીડનો લાભ લઈને બસમાં બેસવા જઈ રહેલા મુસાફરના મોબાઈલ ચોરાઈ જતા મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો છે. સીસીટીવી હોવા છતાં ગઠિયાઓ કળા કરીને ફરાર થઈ જાય છે.ત્યારે મુસાફરો દ્વારા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બસોમાં મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને હાલમાં અસુરક્ષિત રીતે મુસાફરી કરવાની નોબત આવી છે. તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ડેપોમાં દિવસ દરમિયાન પોલીસ પહેરો  ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકે એમ છે.

Tags :