જામનગરમાં પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી નણદોયાએ છેડતી કરી
Image Source: Freepik
જામનગર, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી એક સોસાયટીમાં રહેતી એક પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી નણદોયાએ છેડતી કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, કાલાવડ નાકા બહાર એસ.ટી. ડીવીઝન સામે રહેતી એક પરણિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ સાસુ, સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેતી પરિણીતાની નણંદ તેમની પુત્રી સાથે છેલ્લા દોઢેક વર્ષથી રિસામણે તેમના ઘરે આવેલા હોય, પુત્રીનો કોર્ટમાં કેસ ચાલતો હોય જેમાં કોર્ટે તેમની પુત્રીને દર રવિવારે મળવા દેવાનું હુકમ કર્યો હતો.
જેથી પરિણીતાનો નણદોયો ઈનાયત ઈસ્માઈલ ભંડેરી (રહે. ખંભાળિયા) ગત રવિવારે તા. ૨૨.૧૦ના રોજ જામનગર આવ્યો હતો. દરમિયાન ઘરના અન્ય સદસ્યો કામ-ધંધે બહાર ગયા હતા, અને નણંદનું હરસ-મસાનું ઓપરેશન કરાવેલું હોવાથી અંદરના રૂમમાં સુતા હતા, અને પરિણીતા હોલમાં કચરો વાળતી હતી. ત્યારે નણદોયા ઈનાયતે તેણીને પાછળથી પકડી લઈ શરીરે હાથ ફેરવવા લાગતાં તેણીએ બુમાબુમ કરતાં નણંદ પણ રૂમમાંથી બહાર આવી તેને ઠપકો આપવા લાગતાં ઈનાયતે તેમને ગાળો આપી ઢીકા-પાટુનો માર માર્યો હતો.
આ સમયે રાડા રાડી કરતાં પાડોશીઓ પણ એકઠા થઈ જતાં નણદોય ઈનાયત ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર બનાવ અંગે પરિણીતાએ સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ ૩૫૪,૩૨૩,૫૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ. આઈ ચલાવી રહ્યા છે.