Gujarat

સોસાયટીની વાર્ષિક મિટિંગ દરમિયાન ઝઘડો થતા તલવારથી હુમલો

By GS TEAM
15 Sep 20251 min read
સોસાયટીની વાર્ષિક મિટિંગ દરમિયાન ઝઘડો થતા તલવારથી હુમલો

વડોદરા,હરણી રોડની અવિનાશ સોસાયટીમાં વાર્ષિક મિટિંગ દરમિયાન ખર્ચના હિસાબ બાબતે તકરાર થતા તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરણી રોડ પરની અવિનાશ સોસાયટીમાં રહેતા વકીલ ધવલ મનુભાઇ પટેલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે અમારી સોસાયટીની વાર્ષિક મિટિંગ રાખી હતી. જેથી, ગઇકાલે હું અમારી સોસાયટીના કોમન પ્લોટમાં ગયો હતો. સાંજે ૭ વાગ્યે મિટિંગ શરૃ થઇ હતી અને રાતે ૯ વાગ્યે મિટિંગ પૂરી  થઇ હતી. મિટિંગ પૂરી થયા પછી અમે બધા ચર્ચા કરતા હતા.રાતે સાડા નવ વાગ્યે અમારી સોસાયટી મકરંદ ઉર્ફે મીક્કુ પટેલ અમારી સોસાયટીના પ્રમુખ  ધવલ સૂર્યકાંત શાહ સાથે ખર્ચના હિસાબની માંગણી કરવા લાગ્યો હતો. ઓફિસ બનાવવાની શું જરૃર હતી, તેવું કહી અભદ્ર ભાષામાં બોલવા લાગ્યો હતો. જેથી, હું તેઓને  ગાળો નહીં બોલવા સમજાવતા તે ઉશ્કેરાઇ  ગયો હતો. તે જતો રહ્યો હતો અને થોડીવાર પછી તલવાર લઇને મારા પર હુમલો કર્યો હતો. પરંતુ,તલવાર મ્યાનમાં  હોઇ મને સામાન્ય ઇજા થઇ હતી. દરમિયાન લોકો ભેગા થઇ ગયા હતા અને તેના હાથમાંથી તલવાર ખેંચી લીધી હતી.