Get The App

ચાંદીની જારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી

Updated: Oct 19th, 2023

GS TEAM

Google News
Google News
ચાંદીની જારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી 1 - image

જૂનાગઢના દિવાન ચોક પુરોહિત ખડકીમાં 150 વર્ષ પ્રાચીન મંદિર : માતાજીનાં જલની પ્રસાદી લેવાથી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે, બેઠા રાસ ગરબા દ્વારા કરાય છે માતાજીની આરાધના

જૂનાગઢ, : જૂનાગઢના દિવાનચોકમાં મહિલા સમાજ પાસે આવેલ પુરોહિત ખડકીમાં ઘરમાં જ 150 વર્ષથી સ્વયંભૂ રાંદલ માતાજી ચાંદીની જારીજી  પર એકાંક્ષી સ્વરૂપે બિરાજમાન છે. પાણીયારે અખોટા સાથે બિરાજીત રાંદલ માતાજીની જલની પ્રસાદી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ આપી આશીર્વાદરૂપ બની રહી હોવાની શ્રધ્ધા વ્યાપ્ત છે.

નવરાત્રીના દિવસોમાં ભાવિકો માતાજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ત્યારે, પ્રાચીન મંદિરોમાં માઇ ભક્તો માતાજીની આરાધનામાં લીન બન્યા છે. જૂનાગઢના દિવાન ચોક વિસ્તારમાં મહિલા સમાજ ભવન પાસે આવેલ પુરોહિત ખડકીમાં પુરોહિત પરિવારના ઘરમાં રાંદલ માતાજી  એકાંક્ષી(શ્રીફળ) સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન છે. માતાજીની સેવા પૂજા કરતા તેજસભાઈ પુરોહિતના જણાવ્યા મુજબ, ૧૦ પેઢીઓથી માતાજીની સેવા પૂજા કરવામાં આવી રહી છે. ૧૫૦ વર્ષ પહેલા પરદાદીમાને માતાજી સ્વપ્નમાં આવ્યા અને ઘરે જ બિરાજીત થવા અંગે મહેચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ માતાજી પાણીયારે અખોટા સાથે બિરાજીત થયા હતા. ત્યારબાદ  જૂનવાણી મકાનોમાં આવેલા ગોખલામાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રાંદલ માતાજીનું મુખારવિંદ શ્રીફળ સ્વરૂપે છે અને પાણી ભરેલી ચાંદીની જારીજી પર માતાજી બિરાજમાન છે. ચારેય નવરાત્રીના દિવસોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આસો નવરાત્રીના  આઠ દિવસો દરમ્યાન માતાજી સન્મુખ બેઠા રાસ-ગરબા લેવામાં આવે છે. બેઠા રાસ-ગરબા અને માતાજીની આરાધના ગરબા રાત્રી સુધી શ્રધ્ધાળુઓ હકડેઠઠ્ઠ ભેગા થાય છે. નાની ખડકી હોવાથી લોકો બેસી શકતા ન હોવાથી પુરોહિત પરિવાર દ્વારા ઝાંઝરડા રોડ સ્થિત તેના મકાને નવરાત્રિના દિવસો દરમ્યાન બેઠા ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે અને આઠેય દિવસ  માતાજી સન્મુખ ચંડીપાઠનું આયોજન કરવામાં આવે છે. 

જલની જારીજી પર બિરાજીત રાંદલ માતાજીની જલની પ્રસાદી સંતાનવિહોણા માટે સંતાન સુખ બાબતે આશીર્વાદરૂપ બની રહી છે. સંતાન વિહોણા ઘણા લોકોને માતાજીની પ્રસાદી લેવાથી સંતાન સુખની પ્રાપ્તિ પણ થઈ હોવાનું અને એ ચમત્કારના અનેક લોકો સાક્ષી પણ બન્યા હોવાનું કહેવાય છે. જારીજીમાં રહેલ જલ નવરાત્રીના દિવસો તથા ગ્રહણના દિવસો સમયે બદલવામાં આવે છે.

લોટા તેડવાને બદલે રાંદલ માતાજી સન્મુખ જ ખોળો ભરવામાં આવે છે

લગ્ન પ્રસંગ સહિત સારા દિવસો દરમ્યાન લોકો દ્વારા રાંદલ માતાજીના લોટા રાખવામાં આવે છે પરંતુ પુરોહિત પરિવારના આંગણે સ્વયંભૂ રાંદલ માતાજી બિરાજિત હોવાથી પુરોહિત પરિવાર દ્વારા માતાજીના લોટાનું સ્થાપન કરવામાં આવતું નથી અને માતાજી સન્મુખ જ ખોળો ભરવામાં આવે છે.