ચાંદીની ઝારીજી પર એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે બિરાજતા સ્વયંભૂ રાંદલ માતાજી
જૂનાગઢ દિવાન ચોક પુરોહિત ખડકીમાં પ્રાચીન મંદિર માતાજીનાં જળની પ્રસાદી લેવાથી નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થતી હોવાની શ્રધ્ધા
જૂનાગઢ, : જૂનાગઢમાં દિવાન ચોકમાં મહિલા સમાજ પાસે આવેલા પુરોહિત ખડકીમાં ઘરમાં જ 150 વર્ષથી સ્વયંભૂ રાંદલ માતાજી ચાંદીની જારીજી પર એકાંક્ષી સ્વરૂપે બિરાજમાન છે. પાણીયારે બિરાજિત રાંદલ માતાજીની જળની પ્રસાદી નિઃસંતાન દંપતીને સંતાનનું સુખ આપી આશીર્વાદરૂપ બની રહી હોવાની શ્રધ્ધા વ્યાપક છે.
પુરોહિત ખડકીમાં પુરોહિત પરિવારના ઘરમાં રાંદલ માતાજી એકાંક્ષી (શ્રીફળ) સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન છે. માતાજીની સેવા પૂજા કરતા પેઢી બદલાઈ તેમ છતાં માતાજીની પૂજા જૂના રિવાજ મુજબ જ કરવામાં આવે છે. 150 વર્ષ પહેલાં પરદાદીમાને માતાજી સ્વપ્નમાં આવ્યા અને ઘરે જ બિરાજીત થવા અંગે મહેરછા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જૂનવાણી મકાનોમાં આવેલા ગોખલામાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. રાંદલ માતાજીનું મુખારવિંદ શ્રીફળ સ્વરૂપે છે અને પાણી ભરેલી ચાંદીની ઝારીજી પર માતાજી બિરાજમાન છે. ચારેય નવરાત્રીના દિવસોમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આસો નવરાત્રીના આઠ દિવસ દરમ્યાન માતાજી સન્મુખ બેઠા રાસ ગરબા લેવામાં આવે છે. નાની ખડકી હોવાથી લોકો બેસી શકતા ન હોવાથી પરિવાર દ્વારા ઝાંઝરડા રોડ સ્થિત તેના મકાને નવરાત્રિના દિવસો દરમ્યાન બેઠા ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે. આઠેય દિવસ માતાજી સન્મુખ ચંડીપાઠનું આયોજન કરવામાં આવે છે.
જલની ઝારીજી પર બિરાજિત રાંદલ માતાજીની જળની પ્રસાદી લેવાથી સંતાન વિહોણા ઘણા લોકોને સંતાન સુખની પ્રાપ્તિ થઈ હોવાનું અને એ ચમત્કારના અનેક લોકો સાક્ષી પણ બન્યા હોવાનું કહેવાય છે. જારીજીમાં રહેલ જલ નવરાત્રિના દિવસો તથા ગ્રહણના દિવસો સમય બદલવામાં આવે છે. જૂનાગઢમાં સ્વયંભૂ રાંદલ માતાજી મંદિર અનેક શ્રધ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર રૂપ બની રહ્યું છે.