₹100 Penalty on Cash Parking Fees: અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાર્કિંગના નવા નિયમોને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે તેમના પરિવારજનો પાર્કિંગ ચાર્જની ચુકવણી રોકડમાં કરશે, તો તેમણે નિયત ચાર્જ ઉપરાંત વધારાના 100 રૂપિયા દંડ સ્વરૂપે ચૂકવવા પડશે. આ નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો તેને 'ખુલ્લી લૂંટ' ગણાવી રહ્યા છે.
સામાન્ય રીતે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં જતા સ્વજનોને મૂકવા આવતા લોકો વધુ સામાનને કારણે પોતાની ખાનગી ગાડી લઈને એરપોર્ટ આવતા હોય છે. અત્યાર સુધીના નિયમ મુજબ, અડધા કલાક માટે 50 રૂપિયા અને એક કલાક માટે 80 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવતો હતો. પરંતુ નવા નિયમ મુજબ, જો તમે અડધો કલાક ગાડી પાર્ક કરો અને 50 રૂપિયા કેશમાં આપવા માંગો, તો તમારે કુલ 150 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે 80 રૂપિયાના ચાર્જ સામે રોકડ ચુકવણી પર 180 રૂપિયા વસૂલવામાં આવશે, જે સામાન્ય ચાર્જ કરતા બમણાથી પણ વધુ છે.
એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જની સાથે અન્ય કડક નિયમો પણ મુસાફરોની મુશ્કેલી વધારી રહ્યા છે. જો કોઈ મુસાફર ભૂલથી પણ પાર્કિંગની કુપન કે ટિકિટ ખોઈ નાખે, તો તેની પાસેથી સીધો 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.
અમદાવાદ એરપોર્ટ પર અવારનવાર પાર્કિંગના દરો અને સુવિધાઓને લઈને વિવાદો સામે આવતા રહે છે. મુસાફરોનો આરોપ છે કે એરપોર્ટ મેનેજમેન્ટ માત્ર નફો કમાવવા પર ધ્યાન આપી રહ્યું છે અને સામાન્ય જનતાની સગવડને નજરઅંદાજ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને એરપોર્ટ પરિસરમાં આ 100 રૂપિયાના વધારાના 'કેશ હેન્ડલિંગ ચાર્જ' સામે પ્રવાસીઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને આ અન્યાયી નિયમ પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે.


