Gujarat

સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

By GS TEAM
20 Jun 20251 min read
સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદારની ટીમની કાર્યવાહી

૨૧ કટ્ટા ઘઉં, ૧૯ કટ્ટા ચોખા અને બે વાહનો સહિત કુલ રૃા.૩.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરી લક્ષ્મીપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો ૩.૨૪ લાખની કિંમતનો ૧૯૧૬.૫૯ કિલો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર સહિતની ટીમે બાતમીના આધારે દુધરેજ રોડ પર આવેલી લક્ષ્મીપરા શેરી નં.૪ (એકતા પાન સેન્ટરવાળી ગલી)માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એક લોડિંગ રિક્ષા તેમજ અન્ય એક રિક્ષામાંથી અનાજના ૪૦ કટ્ટા મળી આવ્યો હતો. જેમાં ૨૧ કટ્ટા ધઉં વજન ૧,૦૬૦.૪૧ કિલો તથા ૧૯ કટ્ટા ચોખા વજન ૮૫૬.૧૮ કિલો સહિતનો અનાજનો ગેરકાયદેસર તેમજ શંકાસ્પદ જથ્થો કુલ કિંમત રૃા.૧,૦૪,૪૨૬ સહિત બે વાહનો કિંમત રૃા.૨,૨૦,૦૦૦ મળી કુલ રૃા.૩,૨૪,૪૨૬નો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગેરકાયદે રીતે અનાજના જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ અને હેરફેરી કરવામાં આવતી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે શહેરી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં અનાજનો જથ્થો ઝડપાતા ગેરકાયદેસર અનાજની હેરાફેરી અને સંગ્રહ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.