ખંભાતના વૈણજ ગામના દરિયાઇ ભાઠા વિસ્તારમાં 13 પશુનાં શંકાસ્પદ મોત
- પશુપાલકોએ પોલીસને જાણ કરતા એડી દાખલ કરી
- ઝીંગા મત્સ્ય તળાવનું ઝેરી અને દૂષિત પાણી પીવાથી પશુઓના મોત થયાના પશુપાલકોનો આક્ષેપ : તળાવમાંથી સેમ્પલ લઇને એફએસએલમાં મોકલાયા
ખંભાત તાલુકાના વૈણજ ગામના દરિયાઈ ભાઠા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં છૂટા ચરી રહેલા ૧૩ જેટલા પશુઓના અચાનક મોત થયા હોવાનું સામે આવ્યું છે.સીમ વિસ્તારમાં ચરવા ગયેલા પશુઓના અચાનક મોત થતા પશુપાલકોમાં ચિંતાની લાગણી વ્યાપી છે.
ઝીંગા તળાવમાંથી છોડવામાં આવતા ઝેરી કેમિકલ અને દૂષિત પાણી પીવાના કારણે સીમ વિસ્તારમાં ચરી રહેલા કેટલાક પશુઓના મોત થયા હોવાનું પશુપાલકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નવાગામ બારાથી વૈણજ ભાઠા વિસ્તારમાં આશરે ૧૦૦ થી વધુ ઝીંગા મત્સ્ય તળાવ આવેલા હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે અચાનક પશુઓના મોત થતા પશુપાલકો દ્વારા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મત્સ્ય તળાવમાં વપરાતી દવા કેમિકલ સહિતની સામગ્રીના સેમ્પલો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સાથે સાથે પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને મૃત પશુઓના પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
એફએસએલના રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણે જાણવા મળશે : વેટરનરી ઓફિસર
આ અંગે વેટરનરી ઓફિસર તિક આંજણાના જણાવ્યા મુજબ, વૈણજ દરિયાઈ ભાઠા વિસ્તારમાં તેર જેટલા પશુઓના અચાનક મોત થયા હોવાની જાણ પશુપાલકો દ્વારા કરવામાં આવતા વેટરનરીની ટીમ ત્યાં પહોંચી હતી અને કેટલાક બીમાર પશુઓની સારવાર પણ કરવામાં આવી હતી પશુઓના મોત માટે તળાવના કેમિકલયુક્ત દૂષિત પાણી જવાબદાર હોવાનો આક્ષેપ પશુપાલકો દ્વારા કરાયો છે પરંતુ સેમ્પલ લઈને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે એફએસએલના રિપોર્ટમાં પશુઓના મૃત્યુ પાછળનું સચોટ કારણ જાણવા મળશે તેમ તેમને ઉમેર્યું હતું.