Gujarat

મહેમદાવાદના સોજાલી ગામની પ્રસૂતાના સારવાર વખતે શંકાસ્પદ મોતથી હોબાળો

By GS TEAM
4 Sep 20252 mins read
મહેમદાવાદના સોજાલી ગામની પ્રસૂતાના સારવાર વખતે શંકાસ્પદ મોતથી હોબાળો

- તાળાં મારી ડૉક્ટર, સ્ટાફ ફરાર : પોલીસ કાર્યવાહી શરૂ

- બારેજડીની ધવલ હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીથી મૃત્યુના આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈનકાર

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની પ્રસૂતાનું ડિલિવરી બાદ શંકાસ્પદ સંજોગોમાં મોત થતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. બારેજડીની ધવલ હોસ્પિટલના ડૉક્ટરની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી હોસ્પિટલ બહાર પરિવારજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઘટના બાદ હોસ્પિટલના ડૉક્ટર અને સ્ટાફ સ્થળ છોડી ફરાર થઈ ગયા છે. ત્યારે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહેમદાવાદના સોજાલી ગામના જાગૃતિબેન રાજુભાઈ રાઠોડને ડિલિવરી માટે બારેજડી ગામની ધવલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન જાગૃતિબેનની તબિયત લથડી હોવા છતાં હોસ્પિટલ દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ગંભીર સ્થિતિ ઊભી થતાં ડોક્ટરે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રિફર કર્યા હતા. ત્યાં પણ તેમની સ્થિતિ સુધરી ન હતી અને મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. 

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આજે પીએમ બાદ મૃતદેહને સોજાલી ગામે સાસરીમાં લઈ જવાની તૈયારી વખતે પિયર પક્ષના લોકોએ ધવલ હોસ્પિટલ પહોંચી ડૉક્ટરની બેદરકારીના કારણે મૃત્યુના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

સ્થિતિ વણસતા હોસ્પિટલને તાળું મારી ડૉક્ટર અને સ્ટાફ ફરાર થઈ ગયા હતા. બપોરે ૧ વાગ્યાથી પરિવારજનો મૃતદેહને લઈ હોસ્પિટલ બહાર બેઠા છે. જવાબદાર ડૉક્ટર સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનું જણાવ્યું છે. આ ઘટના અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા નગર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી પોલીસ તપાસ શરૂ કરાઈ છે.