જાફરાબાદ બંદરથી 19 નોટિકલ માઈલ દૂર દરિયામાં જોવા મળી શંકાસ્પદ બોટ
કોસ્ટ ગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી તપાસ
અમરેલી જિલ્લાના દરિયા કિનારે એલર્ટઃ જાફરાબાદ, ચાંચ બંદર, ઘારા બંદર, શિયાળબેટ, નવા બંદર સહિતની માછીમારી બોટોને દરિયામાંથી પરત ફરવા સૂચના
બનાવ અંગે જાફરાબાદ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું કે જાફરાબાદ બંદરથી ૧૯ નોટિકલ માઈલ દૂર દરિયામાં આજે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં સ્થાનિક માછીમારો બોટો લઇ માછીમારી કરી રહ્યા હતા ત્યારેે એક અજાણી શંકાસ્પદ બોટ દરિયામાં જોવા મળી હતી. બોટમાં જાળ કે માછીમારીનો કોઇ સામાન ન હતો તથા ૩ વ્યક્તિઓ બોટમાં હતા. સૌરાષ્ટ્રના માછીમારોએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ અજાણી બોટ ઝડપથી જતી હતી. સ્થાનિક માછીમારોએ આ અજાણી બોટનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બોટ ભાગી છુટતા માછીમારોએ તેમને જાણ કરતા આ અંગે કોસ્ટગાર્ડને જાણ કરાઇ હતી. તેથી તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં પહોંચી બોટ અંગે તપાસ હાથ ધરી છે.
શંકાસ્પદ બોટની ગતિવિધિના પગલે અમરેલી જિલ્લાના તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બનાવના પગલે પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે. જોકે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. અમરેલી જિલ્લાની દરિયાઇ સુરક્ષાને ઘ્યાને લઇને જાફરાબાદ, ચાંચ બંદર, ઘારા બંદર, શિયાળબેટ, નવાબંદર સહિતની બોટોને પરત બોલાવવામાં આવી રહી છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લાનુ તંત્ર બનાવના પગલે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.
પોરબંદરની માછીમારી બોટોને દરિયામાંથી ફરી પરત બોલાવાઇ
પોરબંદર: ગાંધીનગરની મત્સ્યોદ્યોગ કમિશનરની કચેરી ખાતેથી પરિપત્ર મોકલીને જે તે જિલ્લામાં કાર્યરત ફિશરીઝ કચેરીને સૂચના આપીને ફિશિંગ બોટો પરત બોલાવી લેવા જણાવાયું છે.તેથી તેના પગલે પોરબંદર જિલ્લાની ફિશિંગ બોટો ને ફરી પરત બોલાવી લેવામાં આવી છે.દરિયામાં ખરાબ હવામાન થવાનું છે તેને કારણે અને પાકિસ્તાન સાથેની વર્તમાન પરિસ્થિતિ અનુસંધાને આમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.જોકે લેખિતમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે.તેમાં આવી કોઈ સ્પષ્ટતા થઈ નથી.
હાલારના સાગર કિનારા વિસ્તારમાં તંત્ર એલર્ટ મોડમાં
જામનગર: હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાગર કિનારા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલિંગ સધન બનાવાયું છે. ભારત-પાક વચ્ચે સિઝ ફાયરની આજે પુર્ણાહુતી થઈ રહી છે.તે પહેલાં સમગ્ર વહિવટી તંત્ર એલર્ટ મોડમાં છે. ખાસ કરીને સાગર કિનારા વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ તેમજ કોસ્ટલ એરિયામાં પણ પોલીસ ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે.અને બંને જિલ્લાના કોઈપણ માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટે જવા દેવાયા નથી.તમામ ટાપુઓ ઉપર લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવી દીધા બાદ ત્યાં પણ સધન ચેકિંગ કરાઇ રહ્યું છે.