Get The App

મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા

Updated: Nov 28th, 2025

GS TEAM

Google News
Google News
મુંદ્રામાં ખોટી શંકાનો કરૂણ અંજામ: પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા 1 - image

Kutch Mundra news : કચ્છના મુંદ્રા તાલુકાના ઝરપરા ગામે શંકાના આધારે એક વયોવૃદ્ધ પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખ્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જમીનમાંથી નામ કઢાવી નાખી ઘરમાંથી કાઢી મૂકશે તેવા ખોટા વહેમમાં એક પરિવારે પોતાનો માળો વિંખી નાખ્યો હતો.

જાણો ક્યાં બની ઘટના

આ કરૂણાંતિકા ઝરપરા ગામના લૈયારા વાડી વિસ્તારમાં ગત રાત્રિથી આજે સવારના અરસામાં બની હતી. મુંદ્રા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, શંકાશીલ અને ઝનૂની સ્વભાવના સવરાજ જખા સેડા (ગઢવી)એ ગત મધરાત્રે પત્ની હીરબાઈ પર છરી વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યે આ બનાવની જાણ થઈ હતી. હત્યા કર્યા બાદ સવરાજ ઘરેથી ફરાર થઈ ગયો હતો.

પોલીસમાં પિતા વિરુદ્ધ પુત્રએ કરી ફરિયાદ 

આ ઘટના અંગે મૃતક હીરબાઈના પુત્ર વાલજીએ આજે સવારે મુંદ્રા પોલીસ મથકે પોતાના પિતા સવરાજ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું કે, તેના પિતા સવરાજને એવી દ્રઢ શંકા હતી કે તેની પત્ની અને બંને દીકરા એકસંપ થઈને જમીનમાંથી તેમનું નામ કઢાવી નાખશે અને તેને ઘરમાંથી કાઢી મૂકશે. આ જ શંકાને કારણે તે અવારનવાર ઘરમાં ઝઘડો કરતા હતા.

ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી 

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. હીરબાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંદ્રાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર પતિ સવરાજની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, આજે સવારે 11 વાગ્યાના અરસામાં, ઘટના સ્થળેથી થોડેક જ દૂર નદીના પટના વગડામાં એક ઝાડ પરથી સવરાજની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આમ, એક ખોટી શંકાએ હસતા-રમતા પરિવારનો ભોગ લઈ લીધો. આ બનાવને પગલે સમગ્ર ઝરપરા ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ છે.