ગુજરાતમાં NEETની પરીક્ષામાં ચોરીની આશંકા, કોંગ્રેસે કહ્યું- 'ઓડિયો ક્લીપ સાથે સંકળાયેલા લોકોને જેલ ભેગા કરો'
NEET UG 2025 Exam : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET (UG)ની પરીક્ષા આવતીકાલે 4 મે, 2025ના લેવાશે. પરીક્ષામાં બપોરના 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી એમ ત્રણ કલાકનું પેપર રહેશે. જ્યારે સૌપ્રથમવાર સરકારી સંસ્થાઓમાં NEETનું આયોજન કરાયું છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જ્યારે NEETની પરીક્ષામાં ચોરીની આશંકા મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યો છે. રાજ્યના રાજકોટમાં વાલીઓએ પરીક્ષામાં ચોરીની આશંકા વ્યક્ત કરી હતી અને પૂર્વ DEOને ફરિયાદ કરી હોવાનું સામે આવ્યું છે.
કોંગ્રેસે NEETની પરીક્ષામાં ચોરીની આશંકા વ્યક્ત કરી
રાજ્યમાં NEETની પરીક્ષામાં ચોરીની આશંકા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યો હતો અને પરીક્ષામાં ગેરરીતિમાં સામેલ લોકો સામે કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષાને લઈને એક ઓડિયો ક્લીપ વાઈરલ થઈ છે. જેમાં લાખો રૂપિયામાં પરીક્ષામાં 650થી વધુ માર્ક્સનું સેટિંગ કરી આપવાની વાત થઈ રહી છે. આમ માર્કસ વધારવાના દાવા મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને ઓડિયો ક્લીપ સાથે સંકળાયેલા લોકોને જેલ ભેગા કરવામાં આવે. આમ NEET પરીક્ષાર્થીઓને પારદર્શકતાનો વિશ્વાસ અપાવવો જરૂરી છે. જ્યારે ગુનાહીત કૃત્ય કરનારને ભાજપ સરકાર કેમ બચાવે છે? કયા મંત્રી માટે ખેલ થયો તેની તપાસ કરવામાં આવે...'
જ્યારે રાજકોટમાં NEETની પરીક્ષામાં ચોરીની આશંકા વ્યક્ત કરતાં વાલીઓએ પૂર્વ DEOને ફરિયાદ કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે, 'વચેટિયાઓ દ્વારા 50 લાખ જેવી રકમ લઈને 650થી વધુ માર્કસનું સેટિંગ પાડવામાં આવે છે. જેમાં અમદાવાદની એક હોટલમાં બોલાવી વાલીઓને લાલચ અપાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં 4 મહિના અગાઉ જ વિદ્યાર્થીઓનું આધારકાર્ડ અન્ય રાજ્યનું બનાવી દેવાઈ છે.'
પરીક્ષામાં મહત્ત્વના ફેરફાર કર્યા હતા
ગેરરીતિ અટકાવવા નીટની પરીક્ષામાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમવાર એકપણ ખાનગી સંસ્થાને નીટની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં આવશે નહીં, ફક્ત સરકારી સંસ્થાઓમાં જ પરીક્ષા લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓને પેપરમાં મળતો ઓપ્શનનો લાભ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.