તોડકાંડમાંપકડાયેલો સ્ટેટ મોનિટરિંગ સેલનો સસ્પેન્ડ પોલીસ જવાન જેલમાં

વડોદરા,કરજણ નજીકના એક્સપ્રેસ હાઇવે પરથી ટેન્કરમાંથી દારૃનો મોટો જથ્થો ઝડપાવાના તેમજ એસએમસીના સસ્પેન્ડ કોન્સ્ટેબલના રાજસ્થાનના ગેંગસ્ટર તેમજ દારૃના મોટા સપ્લાયર અનિલ ઉર્ફે પાંડીયા વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી થઇ છે. આ કેસમાં રિમાન્ડ પૂરા થતા કોન્સ્ટેબલને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
૧.૭૭ કરોડનો દારૃ ભરેલું એક ટેન્કર ભરૃચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે તેવી બાતમી એલસીબીને મળતા કરજણ તાલુકાના સાંપા ગામની સીમમા એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી ટેન્કર ઝડપી પાડી ડ્રાઇવર ફગલુરામ ઉમારામ જાટ (રહે. કકરાલા, તા.સેડવા,જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો. જે અંગે કરજણમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાન, એસ.એમ.સી.ને એવી જાણકારી મળી હતી કે, આ ટેન્કરને ભરૃચ ખાતે રોકી કાયદેસરની કાર્યવાહી નહીં કરવા માટે ૧૫ લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં એસ.એમ.સી.ના જ કોન્સ્ટેબલ સાજણ વિરાભાઇ વસરા (આહિર) (રહે. જે.કે.વી. નગર -૪, જામનગર રોડ, જામ ખંભાળીયા,જિ. દેવભૂમિ દ્વારકા, મૂળ રહે.મેન બજાર, વાડી વિસ્તાર, લાલપરડા ગામ,તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા)ની કરજણ પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. તપાસ દરમિયાન મળેલી કારના ચેસિસ અને એન્જિન નંબરના આધારે કાર રાજસ્થાનની હોવાનું બહાર આવતા પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના થઇ છે. જ્યારે દારૃ બનાવતી કંપની ઉત્તરાખંડની હોઇ એક ટીમ ત્યાં પણ તપાસ માટે ગઇ છે. વધુમાં, સાજણના મોબાઇલ ફોનની પણ ડિટેલ મેળવવામાં આવશે. જેથી, તે કયા બૂટલેગરોના સંપર્કમાં હતો. તેની વિગતો પ્રકાશમાં આવશે.
આંગડિયા પેઢીના વ્યવહારો અંગે પણ એક ટીમ દ્વારા તપાસ
વડોદરા,
આ ચકચારભર્યા કેસમાં નાણાંકીય વ્યવહારો આંગડિયા પેઢી મારફતે થયા હતા. ગાંધીનગરની આંગડિયા પેઢીમાં ૧૫ લાખ મોકલાવવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦ લાખ તે દિવસે ગાંધીનગરથી જૂનાગઢ એમ.જી.રોડ પર રાકેશ નામના વ્યક્તિને આંગડિયા મારફતે મોકલવામાં આવ્યા હતા. આંગડિયા પેઢીમાં કોણ ક્યારે રૃપિયા લેવા આવ્યું હતું ? તેની તપાસ માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવશે.








