26 આંગણવાડીમાં ચોરી કરનાર શાળાનો સસ્પેન્ડ આચાર્ય ઝડપાયો

જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાના ઓનલાઇન જુગારમાં રકમ હારી જતાં શાળામાંથી લેપટોપ સહિતની ચોરી બદલ સસ્પેન્ડ કરાતા ચોરીના રવાડે ચડી ગયાનું ખુલ્યું
જામનગર, : જામનગર- દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની ૨૬ આંગણવાડીઓમાં ચોરી કરનાર કોટા ગામની પ્રાથમિક શાળાનો સસ્પેન્ડ આચાર્ય એલસીબીના હાથે ઝડપાયો હતો. ઓનલાઇન જુગારમાં હારી જતાં ચોરીના રવાડે ચડેલા આચાર્યને સસ્પેન્ડ કરી દેવાયા બાદ આંગણવાડીઓમાં ચોરી ને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે દરેડ પાસેથી અવાવરૂં ઓરડીમાં આરોપીએ આંગણવાડીમાંથી ચોરી કરેલા રાંધણ ગેસના 18 બાટલા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જામનગર, દેવભુમીદ્રારકા અને પોરબંદર, જિલ્લાની 26 આંગણવાડીમાંથી ગેસના બાટલાની ચોરીને અંજામ આપનાર ખંભાળિયાના કોટા ગામની પ્રાથમિક શાળાના સસ્પેન્ડ આચાર્યને પકડી ચોરીઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. એલસીબીના બાતમી મળી હતી કે, જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામાં ૨૬ આંગણવાડીમાં ગેસના બાટલાની ચોરી કરનાર પ્રાથમિક શાળા સસ્પેન્ડ આચાર્ય કાંતિલાલ ડાયાભાઇ નકુમ (રહે.જામખંભાળીયા) સંડોવાયેલો છે. અને હાલ જામનગર તાલુકાના દરેડ ગામે સી.એન.જી. પેટ્રોલ પંપ નજીક આવેલ અવાવરૂ ઓરડીમાં ચોરી કરેલા ગેસના ૧૮ બાટલા રાખેલા છે. તે બાટલા સગેવગે કરવાની પેરવી કરી રહ્યો છે. તેવી હકિકત આઘારે કાંતિલાલ ડાયાભાઇ નકુમને પકડી પાડી તેના કબ્જા હેઠળની અવાવરૂ ઓરડીમાંથી 18 ગેસના બાટલા તથા અન્ય મુદામાલ કબ્જે કરી લેવાયા છે
આરોપી જામખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. અને ઓનલાઇન જુગારમાં રકમ હારી જતાં ચોરી ના રવાડે ચડયો હતો. સૌ પ્રથમ તેણે શાળામાંથી લેપટોપ વગેરેને ચોરી કરી હોવાથી તેમાં તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. ત્યારબાદ પોતે ચોરીના રવાડે ચડી ગયો હતો. અને જુદી જુદી આંગણવાડીઓને નિશાન બનાવી લેવાનું નક્કી કર્યા બાદ કુલ 26 જેટલી આંગણવાડીઓમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી આચાર્ય ચોરીના ગુનામા સસ્પેન્ડ હોય જામનગર જિલ્લા માં 11 દેવભુમી દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર, જિલ્લામા પાંચ આંગણવાડીની રેકી કરી, આંગણવાડીના દરવાજાના તાળા, ડીસમીસ, લોખંડ સળીયાથી તાળા નકુચા તોડી આંગણવાડીમાં ગેસના બાટલાની ચોરીને અંજામ આપતો હતો, અને અલગ અલગ સ્થળે રાખી દેતો હોવાનું ખુલ્યું છે. એલસીબીએ તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









