Get The App

આણંદ કલેક્ટર કચેરીમાંથી જમીનની ફાઈલ ગુમ મામલે સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે.ડી. પટેલની ધરપકડ

Updated: Jun 20th, 2025

GS TEAM

Google News
Google News
આણંદ કલેક્ટર કચેરીમાંથી જમીનની ફાઈલ ગુમ મામલે સસ્પેન્ડેડ નાયબ મામલતદાર જે.ડી. પટેલની ધરપકડ 1 - image


- બોરસદની 168 ગુંઠા હિજરત પ્રકારની નવી શરતની ફાઈલ ગુમ થવાનો ચકચારી કેસ

- સાડા ત્રણ મહિના તપાસ બાદ કાર્યવાહી : ફરજ દરમિયાન ફાઈલ ના.મામલતદાર જે.ડી. પટેલે મંગાવી હોવાનું ખૂલ્યું : પોલીસની રિમાન્ડ મેળવવા તજવીજ

- તત્કાલિન જિલ્લા કલેક્ટરના આપત્તિજનક વીડિયો મુદ્દે નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સાથે પણ જે.ડી. પટેલનું નામ બહાર આવ્યું હતું

આણંદ: બોરસદની 168 ગુઠા હિજરત પ્રકારની નવી શરતની જમીનની ફાઈલ આણંદ કલેકટર કચેરીની રેકોર્ડ શાખામાંથી ગુમ થઈ હોવા અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ લગભગ સાડા ત્રણ માસ લાંબી તપાસ ચાલી હતી. આણંદ એલસીબી પોલીસે આ મામલામાં ફરજ મોકૂફ કરાયેલા નાયબ મામલતદાર જે. ડી. પટેલની ગતરોજ ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગાજેલા તત્કાલિન જિલ્લા કલેકટરના આપત્તિ જનક વિડિયોના મામલામાં તત્કાલિન નિવાસી અધિક કલેકટર સહિત તત્કાલિન નાયબ મામલતદાર જે.ડી. પટેલનું પણ નામ ખુલ્યું હતું અને તેઓની ફાઈલો ક્લિયર કરાવવા માટે આ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. 

બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા જેજીપુરા ખાતે આવેલી અંદાજે ૧૬૮ ગુંઠા જેટલી હિજરતી જમીનોને તત્કાલીન નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને નિવાસી અધિક કલેકટર કેતકીબેન વ્યાસે બિન ખેતીમાં ફેરવી હોવા અંગે બોરસદના એક અરજદારે આરોપ સાથે ૨૦૨૩માં નાયબ મામલતદારને રજૂઆત કરી હતી. જે અંગે મહેસુલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગને પણ નકલ મોકલવામાં આવતા બોરસદના પ્રાંત અધિકારી દ્વારા તપાસ અહેવાલ મંગાવતા સરકારને મોટું આથક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. નવી શરતની જમીન હોવા છતાં બીન ખેતી કરી હોવાની રજૂઆત મળતા સરકારને આથક નુકસાન થયેલ છે કે કેમ તથા ફાઇલમાં કયા કર્મચારીના અભિપ્રાય લખવામાં આવ્યા છે તે અંગે ફાઈલ જરૂરી હોવાથી શોધખોળ કરતા ફાઈલ મળી નહોતી. જેથી પ્રાથમિક તપાસ માટે નાયબ કલેકટર મીતાબેન ડોડિયાને ફાઈલની શોધ માટે તપાસ અધિકારી તરીકે નિમણૂક અપાઈ હતી. તપાસ દરમિયાન ફાઈલ મળી આવી નહોતી. કોઈ સરકારી કર્મચારી દ્વારા જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઇરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઈલ મેળવી ગુમ કરવામાં આવી હોવાનું જણાતા આ અંગે નાયબ મામલતદાર હિરેનદ્રસિંહ મકવાણાની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસ મથકે તા. ૧-૩-૨૦૨૫ના રોજ ગુનો નોંધાયો હતો અને સમગ્ર મામલાની તપાસ આણંદ એલસીબી પોલીસને સોંપવામાં આવી હતી. આણંદ એલસીબી પોલીસે તપાસ હાથ ધરતા બોરસદ ખાતેની જમીન નવી શરતની હોવા છતાં બિનખેતી કરી સરકારના પ્રીમિયમનું નુકસાન કરેલું હોવાનું સંભવિત જણાવ્યું હતું અને આ ફાઈલ રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારીએ તા. ૨૧ માર્ચ ૨૦૨૩ના રોજ ફાઈલ મુવમેન્ટ રજીસ્ટરમાં ખોટી રીતે સહી કરી ફાઈલ મેળવી બાદમાં ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહીં કરી હોવાનું જાણવા મળ્યું હતું. આણંદ એલસીબી પોલીસ દ્વારા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા અને જરૂરી રેકડ કબજે લેવામાં આવ્યો હતો. 

તપાસ દરમિયાન આ ફાઈલ જે તે વખતે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે.ડી. પટેલ (હાલ ફરજ મોકૂફ)એ મંગાવી હોવાનું જાણવા મળતા ગતરોજ રાતે જે.ડી. પટેલની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

- જે.ડી. પટેલ મળતિયાની કારમાંથી ફિંગરપ્રિન્ટ આપતો હોવાનું ખૂલ્યું હતું

ઓગસ્ટ-૨૦૨૩માં આણંદ જિલ્લાના તત્કાલીન કલેકટરનો આપત્તિ જનક વિડિયો વાયરલ થયો હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ મામલામાં નિવાસી અધિક કલેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ તથા અન્ય એક ખાનગી વ્યક્તિનું પણ નામ બહાર આવ્યું હતું. જે તે સમયે આણંદ એલસીબી પોલીસની તપાસમાં જેડી પટેલની ફિંગર પ્રિન્ટ વિના બિનખેતીની ફાઈલમાં અસર આવતી ન હતી અને તેની ફિંગર પ્રિન્ટ જરૂરી હોવાનું ખુલ્યું હતું. પોલીસે જે તે સમયે જે.ડી. પટેલના મળતીયા હરીશ ચાવડાની કારમાંથી ફિંગરપ્રિન્ટ મશીન પણ જપ્ત કર્યું હતું અને ફાઈલના વહીવટના નાણા મળતા જ જે.ડી. પટેલ કારમાંથી ફિંગર પ્રિન્ટ આપતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. 

- ફાઈલ કેમ ગૂમ કરી, અન્ય કોઈની સંડોવણી જેવા પ્રશ્નો વણઉકેલ્યા

આણંદ એલસીબી પોલીસે લગભગ સાડા ત્રણ માસની લાંબી તપાસ બાદ નાયબ મામલતદાર જે.ડી. પટેલની ધરપકડ કરી છે. જોકે, કયા કારણોસર જે.ડી. પટેલે આ ફાઈલ ગુમ કરી?, ફાઈલ ગુમ કરવામાં તેની સાથે અન્ય કોની સંડોવણી ? જેવા અનેક પ્રશ્નો અંગે પોલીસ દ્વારા આગળની તપાસમાં વધુ જાણકારી મળશે તેવું રટણ કરવામાં આવ્યું હતું.

- મિલકતો અંગે તપાસ થાય તો મોટા ખૂલાસા થવાની શક્યતા

આણંદ પાસેના રામભાઈ કાકા માર્ગ ઉપર આવેલી શાલીગ્રામ ગ્રીન ખાતે વૈભવી બંગલો ધરાવતા અને વૈભવી ઠાઠ ભોગવતા ફરજ મોકૂફ જે.ડી. પટેલે પોતાને મળેલી સત્તાનો વહીવટ કરવામાં ભરપૂર ઉપયોગ કર્યો હોવાનું જિલ્લા કલેકટર કચેરીમાં ચર્ચાઈ રહ્યું છે. જે.ડી. પટેલની ફિંગર બાદ જ ૭/૧૨માં બિન ખેતીના હુકમની અસર આવતી હોવાનું જે તે સમયે પોલીસ દ્વારા જણાવાયું હતું. ત્યારે આ મામલે ઉચ્ચ કક્ષાએથી ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક મોટા ષડયંત્ર બહાર આવવાની શક્યતા છે. જે ડી પટેલની મિલકતો અંગે પણ તપાસ થાય તો અનેક મોટા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે.

Tags :