ઉંમર વધારે હોવાની શંકા, પોલીસે ઓસિફિકેશન ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો

વડોદરા,માંજલપુર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય શ્રમજીવી પરિવારની ૧૨ વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપવાની ઘટનામાં પોલીસે પરિવારના સભ્યોના નિવેદનો લીધા છે. જેના પરથી પોલીસનું અનુમાન છે કે, બાળકીને જન્મ આપનાર માતાની ઉંમર ૧૮ વર્ષની હશે. સાચી ઉંમર જાણવા માટે ઓસિફિકેશન ટેસ્ટ કરવા પોલીસે સયાજી હોસ્પિટલને રિપોર્ટ કર્યો છે.
રોજીરોટી કમાવા માટે એક શ્રમજીવી પરિવાર વડોદરા આવ્યું હતું અને માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા નજીક રહીને વિસ્તારમાં મજૂરી કામ કરતું હતું. આ પરિવારની ૧૨ વર્ષની સગર્ભા કિશોરીએ બાળકીને જન્મ આપતા હોસ્પિટલ દ્વારા માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકી અને માતા સયાજી હોસ્પિટલમાં છે. બંનેની તબિયત સારી છે.
આ કેસમાં પોલીસનું કહેવું છે કે, સગર્ભાની ઉંમર વધુ છે. માંજલપુર પોલીસે આજે માતા બનેલી ૧૨ વર્ષની કિશોરીના માતા, પિતા તથા પરિવારના નિવેદનો લીધા બાદ પરિવારજનોએ રજૂ કરેલા જન્મના પુરાવા પણ પોલીસે ચેક કર્યા હતા. ૧૨ વર્ષની કિશોરી અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. તેઓ છ ભાઇ, બહેન છે. પરિવારમાં સૌથી મોટા પુત્રનો જન્મ થયો હતો. તેના એક વર્ષ પછી આ કિશોરીનો જન્મ થયો હોવાનું પરિવારનું કહેવું છે. મોટા પુત્રનો જન્મ વર્ષ - ૨૦૦૬ માં થયો હતો. તેના આધારે બાળકીને જન્મ આપનાર કિશોરીની ઉંમર ૧૨ વર્ષની નહીં પરંતુ, ૧૮ વર્ષની હોવાનું અનુમાન છે. પરંતુ, પરિવારે રજૂ કરેલા જન્મના પુરાવામાં તો બાળકીને જન્મ આપનાર સગીર માતાની ઉંમર હાલ ૧૨ વર્ષની જ બતાવે છે. જન્મના દાખલામાં ઉંમર ભૂલથી લખાઇ ગઇ હોવાની શક્યતા છે. કિશોરીની સાચી ઉંમર જાણવા માટે પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલને રિપોર્ટ કરી ઓસિફિકેશન ટેસ્ટ કરવા માટે જણાવાયું છે.
સગીરાના લગ્નને જ્ઞાાતિ પંચે મંજૂરી આપી હતી
વડોદરા,
પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, માતા બનનાર કિશોરી અને તેના થનાર પતિની મુલાકાત ત્રણ વર્ષ પહેલા હોળીના મેળામાં થઇ હતી. બંને વચ્ચે આંખો મળી જતા તેઓ ભાગી ગયા હતા. તેઓ પરત આવતા પરિવારજનોએ પંચ સમક્ષ કેસ મૂક્યો હતો. પંચે સમાધાન કરી બંનેને પતિ પત્ની તરીકે કાયદેસર કર્યા હતા. ત્યારબાદ કિશોરી અને તેનો પતિ સાસરિયાઓ સાથે જ રહેતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે રહે છે.
સગીરાની ઉંમર ચકાસવા માટે ઓસિફિકેશન ટેસ્ટ
વડોદરા,
ઓસિફિકેશન રિપોર્ટ અંગે ડોક્ટરે જણાવ્યું છે કે, આ ટેસ્ટમાં દાંત, હાડકાનો વિકાસ જેવા પરિબળોની ચકાસણી કરવામાં આવે છે. જેમકે, ડહાપણની દાઢ , જે ૧૮ વર્ષ પછી જ આવતી હોય છે. જેના આધારે તેની ઉંમર ૧૮ વર્ષ છે કે કેમ ?તે નક્કી કરી શકાય. પરંતુ, માત્ર આ રિપોર્ટ પર જ આધાર નહીં રાખી એક્સ રે ના આધારે વ્યક્તિના હાડકાના જોઇન્ટના ડેવલપમેન્ટની પણ ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. અંદાજે સાત જેટલા વિવિધ રિપોર્ટ કાઢ્યા પછી તેની ઉંમર નક્કી કરાય છે.









