પંચમહાલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસનો કહેર, 3 બાળકોના મોતથી તંત્રમાં દોડધામ
Panchmahal 3 Child Died News : પંચમહાલ જિલ્લામાં ભેદી વાઈરસના કારણે ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. શહેરા તાલુકાના ડોકવા ગામે આઠ વર્ષના એક બાળકને આ ભેદી વાઈરસે ભરખી જતાં પરિવાર સહિત આસપાસના લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
આઠ વર્ષના અક્ષયનું કરુણ મૃત્યુ
શહેરા તાલુકાના ડોકવા ગામના ડુંગર ફળિયામાં રહેતા એક નાનકડા પરિવારનો હસતો રમતો આઠ વર્ષીય અક્ષય, જે ધોરણ-2માં અભ્યાસ કરતો હતો, તેને મોડી રાત્રે અચાનક ઠંડી લાગવા માંડી અને તાવ આવી ગયો. ત્યારબાદ સવારે ખેંચ આવતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે શહેરાની સરકારી હોસ્પિટલે લઈ ગયા. ત્યાંથી તેને ગોધરા રિફર કરવામાં આવ્યો. જોકે, બાળકની સ્થિતિ ગંભીર જણાતાં તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા રિપોર્ટ માટે બ્લડ સેમ્પલો લેવામાં આવ્યા હતા. દુર્ભાગ્યે, સારવાર દરમિયાન બાળક અક્ષયનું મોત નીપજ્યું હતું.
આરોગ્ય વિભાગ સક્રિય, પુણેથી નિષ્ણાતોની ટીમ આવી
બાળકનું મોત ભેદી વાઈરસના કારણે થયું હોવાને કારણે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ વાઈરસ વધુ વકરે નહીં તે માટે સેમ્પલ લેવા તેમજ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. તો વાઈરસના મુખ્ય લક્ષણો તેમજ તે કઇ રીતે ફેલાય છે તે માટે પુણેથી નિષ્ણાતોની ટીમ આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધર્યો છે.
નોંધનીય છે કે, ચોમાસું શરૂ થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા કાચા તેમજ લીપણવાળા માટીના મકાનોમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે, તેમજ આવી જગ્યાએ મચ્છર સહિત બીજી અનેક જીવાતો જોવા મળતી હોય છે. ગત વર્ષે આ સમયે શંકાસ્પદ ચાંદીપુરમ વાઈરસના કારણે સમગ્ર જિલ્લામાં આરોગ્ય વિભાગને દોડતું કરી દીધું હતું. ત્યારે આ શંકાસ્પદ વાઈરસ વધુ ન વકરે અને તેના મુખ્ય લક્ષણો તેમજ તે કઈ રીતે ફેલાય છે તે જાણવા માટે પુણેથી નિષ્ણાતોની ટીમ આવી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરી પરિવારજનો તેમજ પશુઓ, ઉંદર સહિતના અલગ અલગ લોહીના સેમ્પલો લીધા હતા અને તેને પુણે ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા હતા.
ત્રણ બાળકોના મોત, એકની સારવાર ચાલુ
હાલ ચોમાસાની શરૂઆત થતા જ પંચમહાલ જિલ્લામાં ભેદી વાઈરસની ઝપેટમાં શહેરા, હાલોલ અને ગોધરા તાલુકાના ચાર બાળકો આવ્યા હતા, જે પૈકી ત્રણ બાળકોના કરુણ મોત નીપજ્યા છે અને હાલ એક બાળકની વડોદરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જોકે, આ ત્રણેય બાળકોના ચાંદીપુરમ વાઈરસ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને ચોથા બાળકનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે.
પંચમહાલ જિલ્લામાં ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ની ટીમો સર્વે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉતરી છે. તેઓ શંકાસ્પદ વાઈરસની ઝપેટમાં વધુ બાળકો ન આવે તે માટે આરોગ્ય વિભાગને સાથે રાખી સર્વે હાથ ધર્યો છે અને શંકાસ્પદ સ્થળોએથી સેમ્પલો લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે. તેના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજનો સોજો જોવા મળે છે. આ વાઈરસ મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તેનો પ્રકોપ વધવાની શક્યતા રહે છે. લોકોને સાવચેત રહેવા અને વાઈરસથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓ દ્વારા બાળકોને મચ્છર કરડવાથી બચાવવા, ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવવા અને પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવા કહેવામાં આવ્યું છે.