35 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના રિનોવેશનને કારણે ફ્લેટ ધરાશાયી,પોલીસે તપાસ આદરી
સમતા વિસ્તારમાં ગઇરાતે ત્રણ માળનો સૂર્યકિરણ ફ્લેટનો બે ગાળામાંથી એક ગાળો ધરાશાયી થતાં બે પરિવારનો બચાવ થયો હતો.સમગ્ર બનાવ ગ્રાઉન્ડ ફ્લોરના રિનોવેશનને કારણે બન્યો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઇ છે.
સમતામાં આવેલો સૂર્યકિરણ ફ્લેટ ૩૫ વર્ષ જૂનો હોવાનું અને કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.બે ગાળાના ત્રણ મજલી ફ્લેટના એક ગાળાના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન અને ગોડાઉનનું રિનોવેશન ચાલતું હતું અને તેના ડ્રીલિંગને કારણે ત્રણ માળનો એક ગાળો તૂટી પડયો હોવાનું મનાય છે.
સારાનશીબે ફર્સ્ટ ફ્લોર અને તેની ઉપરના ફ્લોર પર રહેતા બે પરિવારને ફ્લેટ હલતો હોવાનું લાગતાં બહાર નીકળી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો.
ઉપરોક્ત બનાવ અંગે ફ્લેટમાં રહેતા રમેશચંદ્ર અગ્રવાલે પોલીસને ફરિયાદ આપતાં પોલીસે જાણવાજોગ નોંધ લીધી છે.જેમાં તેમણે કહ્યું છે કે,ગ્રાઉન્ડ ફ્લોર પર મહેશભાઇ વડુના કોન્ટ્રાક્ટર પાસે રિનોવેશન કરાવતા હોવાથી ફ્લેટ ધરાશાયી થયો હતો.મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના વડુ ગામના કોન્ટ્રાક્ટર મોહંમદભાઇને ૯ લાખમાં રિનોવેશનનું કામ અપાયું હતું.પરંતુ પોલીસ તપાસમાં જ સાચી વિગતો ખૂલી છે.