ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ બાદ સર્વે શરુ, 80 ટીમ બનાવાઈ
Unseasonal Rain Crop Survey: છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં છૂટોછવાયો કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેની સીધી અસર ખેડૂતોના પાક પર પડી રહી છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોના ઊભા પાકને પારાવાર નુકસાન થયું છે. જેથી ખેડૂતો દ્વારા પાકનો સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. જોકે કયા પાકનું કેટલું વાવેતર અને ક્યાં કેટલું નુકસાન થયું છે તે સર્વે બાદ જાણવા મળશે.
ભાવનગરમાં કમોસમી વરસાદના લીધે ભર ઉનાળે ખેતરોમાં પાણી ભરાયા હતા. જેના લીધે ખેડૂતોના બાગાયતી સહિત અન્ય પાકને નુકસાન થયું છે. વરસાદના લીધે કેરી, લીંબુ, કેળ સહિતનો પાક ખરી પડ્યો છે.
સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં SDRFના નિયમ મુજબ દરેક તાલુકા વિકાસ અધિકારીને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે. નુકસાનીનો સર્વે કરવા માટે કુલ 80 ટીમ બનાવવામાં આવી છે. જેમના દ્વારા ખેતીમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કમોસમી વરસાદથી પહોંચેલા વ્યાપક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
હજુ ત્રણ દિવસ વરસશે વરસાદ, ખેડૂતોની વધી ચિંતા
હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે (16 મે) અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલીમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે.