Gujarat

૧૨ હોસ્પિટલોમાં સર્વે, સતત ખુરશી ટેબલ પર બેસી કામ કરનારાઓને હૃદયરોગનું જોખમ વધારે

By GS TEAM
22 Jun 20252 mins read
૧૨ હોસ્પિટલોમાં સર્વે, સતત ખુરશી ટેબલ પર બેસી કામ કરનારાઓને હૃદયરોગનું જોખમ વધારે

વડોદરાઃ કલાકો સુધી ખુરશી ટેબલ પર સતત બેસીને કામ કરનારાઓને હૃદય રોગનું જોખમ વધારે રહે છે તેવું તારણ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના  સ્ટેટેસ્ટિકસ વિભાગની ટીમે શહેરની ૧૨ સરકારી અને ખાનગી હોસ્પિટલોના ૧૫૨ દર્દીઓ પર કરેલા એક સર્વેમાં સામે આવ્યું છે.

વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.મંગલા શાહના માર્ગદર્શન હેઠળ એમએસસીમાં અભ્યાસ કરતા વદ્યાર્થીઓ પ્રિયાંશી સોની, સુઝાન શેખ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, શિવમ પ્રજાપતિની ટીમનું કહેવું છે કે, હૃદય રોગમાં કોરોનોરી આર્ટરી ડિસિઝ એટલે કે હૃદયને લોહી પહોંચાડતી નસોમાં બ્લોકેજ,  માયો કાર્ડિઅલ ઈન્ફર્રક્શન એટલે કે હાર્ટ એટેક, હાર્ટ ફેલિયોર, કાર્ડિઓમાયોપથી એટલે કે વારસાગત સમસ્યાના કારણે હૃદયના સ્નાયુઓ નબળા પડવા, હાર્ટ વાલ્વમાં ખામી, એરિથમિયા એટલે કે હૃદયના અસાધારણ ધબકારા જેવા વિવિધ રોગોનો સમાવેશ થાય છે. 

વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ૧૫૨ દર્દીઓ પૈકી ૨૮ ટકાને હાર્ટ એટેક આવ્યો હતો તો ૧૮ ટકાને નસો બ્લોક થવાની એટલે કે કોરોનરી આર્ટરી ડિસિઝની સમસ્યા હતી.૧૬ ટકા દર્દીઓના હૃદયના વાલ્વમાં ખામી હતી.બાકીનાને હૃદયની બીજી સમસ્યાઓ હતી.આ દર્દીઓ પૈકી હૃદયની નળીઓ બ્લોક હોય તેવા ૩૩ ટકા દર્દીઓ અને જેમને હાર્ટ એટેક આવ્યો હોય તેવા ૨૧ ટકા દર્દીઓ સતત ખુરશી ટેબલ પર બેસી રહેવાની નોકરી કે બિઝનેસ કરતા  હતા. કોરોનરી આર્ટરી ડિસિઝના ૧૪ ટકા અને હાર્ટ એટેકના ૨૮ ટકા દર્દીઓ એવા હતા કે જેઓ ખુરશી ટેબલની સાથે શારીરિક પ્રવૃત્તિ પણ કરવી પડે તેવી નોકરી કે વ્યવસાય કરતા હતા.

--જે ૧૫૨ દર્દીઓ પર સર્વે કર્યો હતો તેમાં હૃદય રોગ થવાની સરેરાશ વય પુરુષોમાં ૫૦ વર્ષ અને મહિલાઓમાં ૪૮ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું.

--હૃદય રોગ પર કોવિડની અસર હોઈ શકે કે કેમ તે જાણવાના પ્રયાસમાં ખાસ સફળતા મળી નહોતી.૬૭ ટકા દર્દીઓએ આ બાબતે મૂંઝવણ વ્યક્ત કરી હતી અથવા જવાબ નહોતો આપ્યો.૧૨ ટકાએ કોરોનાની અસર પડી હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.

--૧૮ ટકા દર્દીઓએ ભોજનમાં વધારે, ૯ ટકાએ ઘણું વધારે મીઠું ખાતા હોવાની અને ૩૧ ટકાએ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં મીઠું ખાતા હોવાનું કહ્યું હતું.

--૪૫ થી ૫૯ વર્ષની વયના દર્દીઓમાં ૨૯ ટકાને હાર્ટ એટેક આવ્યો હોવાનું  અને ૧૯ ટકા હાર્ટ બ્લોકેજના દર્દીઓ હોવાનું સામે આવ્યું હતું.૬૦ વર્ષથી વધારે વયના દર્દીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ ૪૪ ટકા હતું.