સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના સર્વેને મંજૂરી
રેલ્વે બોર્ડ દ્વારા આખરે સત્તાવાર રીતે જાહેરાત : નવી લાઈનથી સોમનાથ- દ્વારકા- ઓખા- પોરબંદરને જોડતો એક વધારાનો ટૂંકો માર્ગ ઉપલબ્ધ થશે
જૂનાગઢ, : રેલ્વે બોર્ડ દ્વારા સરાડીયા-વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના અંતિમ સ્થાન સર્વેને મંજુરી આપી છે. આ નવી લાઈન તૈયાર થયા બાદ સોમનાથ-દ્વારકા-ઓખા-પોરબંદરને જોડતો એક વધારાનો ટુંકો રેલ્વે માર્ગ ઉપલબ્ધ થશે. પ્રવાસીઓ તથા વિસ્તારના સ્થાનિક લોકોને તેનો લાભ મળી શકશે. શાપુર-સરાડીયા રેલ્વે લાઈન 1983ના હોનારત બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ રેલ્વે ટ્રેક તેમજ સ્ટેશન મૃતપાય થઈ ગયા હતા. થોડા સમય પૂર્વ શાપુર-સરાડીયા રેલ્વે લાઈન ફરી શરૂ કરવાની માંગ સાથે આંદોલન થયું હતું ત્યારે ચૂંટણી હોવાથી આ રેલ્વે લાઈન કાર્યાન્વિત કરવા ખાતરી આપવામાં આવી હતી. અગાઉ શાપુર-સરાડીયા વચ્ચે જે રેલ્વે લાઈન હતી તેનો સર્વે મંજુર થયો હતો. હાલ આ લાઈન ઉપર રેલ્વેની જમીન ઉપલબ્ધ છે ત્યાં અમુક પેશકદમી થયેલી છે. અગાઉ આવા આસામીઓને નોટિસ પણ આપવામાં આવી હતી. હવે સરાડીયાથી વાંસજાળીયા નવી રેલ્વે લાઈનના અંતિમ સ્થાન સર્વેના રેલ્વે બોર્ડે મંજુરી આપી છે. ભાવનગર ડીવીઝનના સિનીયર ડીવીઝન્લ કોમર્શીયલ મેનેજરએ જણાવ્યું હતું કે, સરાડીયા-વાંસજાળીયા વચ્ચેની લાઈનની લંબાઈ 45 કિલોમીટર છે, આ લાઈન શરૂ થવાથી સૌરાષ્ટ્રના દુરના વિસ્તારોમાં ઔદ્યોગિક, સામાજીક અને આર્થિક વિકાસ થશે તેમજ આ વિસ્તાર ભારતીય રેલ્વેના મુખ્ય પ્રવાહ સાથે જોડાશે. વાંસજાળીયા રેલ્વે સ્ટેશન જામનગર જીલ્લામાં આવેલું છે, પોરબંદરથી 34 કિલોમીટર દુર છે જ્યારે સરાડીયા માણાવદર તાલુકામાં આવેલું છે. નવી રેલ્વે લાઈન ઉપલબ્ધ થયા બાદ સોમનાથ, દ્વારકા, ગિરનાર, પોરબંદર સહિતના પ્રવાસન સ્થળોએ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકોને એક વધારાનો ટુંકો રેલ્વે માર્ગ ઉપલબ્ધ થશે. રેલ્વે બોર્ડ દ્વારા સરાડીયા-વાંસજાળીયા રેલ્વે લાઈનના સર્વે માટેની મંજુરી આપી દીધી છે.