માંજલપુર, મકરપુરા, હરણી, કારેલીબાગના ભૂગર્ભ જળની ગુણવત્તા બહુ સારી નથી
વડોદરાઃ વડોદરા શહેરના વધતા વ્યાપની સાથે ભૂગર્ભ જળનો વપરાશ પણ વધ્યો છે.શહેરના ભૂગર્ભ જળની ગુણવત્તા જાણવા માટેનો એક વ્યાપક સર્વે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓ અનિલ સખારા, ચિંદન જાદવ, ફૈઝલ ખાન, થતાગત સાલ્વેએ ફેકલ્ટીના અધ્યાપક શ્રેય પંડયાના માર્ગદર્શન હેઠળ હાથ ધર્યો હતો.વિદ્યાર્થીઓએ વડોદરા શહેરના ૨૧૭ ચોરસ કિલોમીટર એરિયાને વહેંચી નાંખીને અલગ અલગ સ્થળોએથી ૧૩૯ જેટલા ભૂગર્ભ જળના નમૂના એકઠા કર્યા હતા.
આ સર્વેક્ષણમાં તેમણે પાણીમાં રહેલા પીએચ( પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન), ટીડીએસ(ટોટલ ડિઝોલ્વડ સોલિડસ), ઈસી( ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી), નાઈટ્રોજન, એસિડિટી જેવા પરિબળોનું લેબોરેટરીમાં એનાલિસિસ કર્યું હતું અને તેના આધારે અલગ અલગ વિસ્તારમાં વોટર ક્વોલિટી ઈન્ડેક્સ( ડબલ્યૂક્યૂઆઈ) એટલે કે પાણીની ગુણવત્તા નક્કી કરી હતી. વિદ્યાર્થીઓની ટીમનું કહેવું છે કે, શહેરના અલગ અલગ વિસ્તારના ભૂગર્ભ જળનો વોટર ક્વોલિટી ઈન્ડેક્સ ૦.૬૨ થી ૯૬.૯૬ છે.શહેરનો સરેરાશ વોટર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૮.૭ છે.જેનો અર્થ એ છે કે, પાણીની સરેરાશ ગુણવત્તા સારી છે અને પાણી પીવાલાયક છે.જ્યારે વિસ્તાર પ્રમાણે જોવામાં આવે તો માંજલપુર, મકરપુરા, હરણી અને કારેલીબાગના પાણીના કેટલાક નમૂનાનો વોટર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦ થી ૯૬.૯૬ છે.જે પાણીની ગુણવત્તા ખરાબથી અતિ ખરાબ હોવાનું દર્શાવે છે.બીજી તરફ ગોરવા, છાણી, ગોત્રી, વાઘોડિયા રોડ, ભાયલી અને સોમાતલાવ વિસ્તારમાં વોટર ક્વોલિટી ઈન્ડેક્સ નીચો છે.જે આ વિસ્તારોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા સારી કે ઘણી સારી હોવાનું સૂચવે છે.
પાણીમાં વિવિધ પરિબળોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ
વોટર કવોલિટી ઈન્ડેક્સ ૫૧થી ઉપર હોય તો પાણી પીવાલાયક નથી ગણાતું
પાણીમાં ટીડીએસ ૯૦૦ સુધી હોય તો સ્વીકાર્ય છે પાણીમાં આલ્કલિન સ્વાદ બદલી નાંખે છે
--વોટર ક્વોલિટી ઈન્ડેક્સઃ - ૦ થી ૨૫નો સ્કોર પાણીની ઉત્તમ ગુણવત્તા, ૨૬ થી ૫૦ વચ્ચેનો સ્કોર સારી ગુણવત્તા સૂચવે છે.૫૧ થી ૭૫ વચ્ચેનો સ્કોર હોય તો પાણી પીવા લાયક નથી ગણાતું.૭૬ થી ૧૦૦ વચ્ચે સ્કોર હોય તો પાણી માત્ર ખેતી કે ઔદ્યોગિક ઉપયોગ માટે લાયક છે.૧૦૦ની ઉપર સ્કોર પાણી અત્યંત પ્રદુષિત હોવાનું દર્શાવે છે.
--પીએચઃ પાણીમાં આલ્કલિન એટલે કે ક્ષાર કેટલો છે તે દર્શાવે છે.શહેરના ગ્રાઉન્ડ વોટરનો સરેરાશ પીએચ ૭.૪ છે.જે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાડન્ડર્ડ દ્વારા નક્કી થયેલા ૬.૫ થી ૮.૫ની રેન્જમાં છે.આલ્કલિન વધારે હોય તો પાણીનો સ્વાદ બદલાય છે.
--ટીડીએસઃ ટોટલ ડિઝોલવ્સ સોલિડસ પાણીમાં ખનીજ, ધાતુ, ચાર્જર્ડ આયન, નકારાત્મક ચાર્જર્ડ આયનનું પ્રમાણ દર્શાવે છે.પાણીમાં ૩૦૦ પીપીએમ ( પાર્ટસ પર મિલિયન) સુધીનું ટીડીએસ હોય તો પાણી ઉત્તમ છે.૩૦૦ થી ૬૦૦ ટીડીએસ વાળું પાણી સારુ, ૬૦૦ થી ૯૦૦ ટીડીએસ વાળું પાણી ઉપયોગમાં લઈ શકાય તેવું કહી શકાય.૯૦૦ થી ૧૨૦૦ ટીડીએસવાળું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર પીવા યોગ્ય નથી અને ૧૨૦૦થી વધારે ટીડીએસ ધરાવતું પાણી કોઈ પણ સંજોગોમાં પીવા લાયક નથી.વડોદરાના ગ્રાઉન્ટ વોટરનો સરેરાશ ટીડીએસ ૮૩૧ છે.
--ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટીઃ પાણીમાં પ્રદૂષણ અને ખનીજના પ્રમાણને દર્શાવે છે.પાણીમાં ઇસી ૨૫૦ માઈક્રોસિમેન્સ પર સેન્ટિમિટર હોવી જોઈએ.૨૫૦ થી ૭૫૦ વચ્ચેની રેન્જ પાણી પીવાલાયક હોવાનું અને ૭૫૦ થી ૨૨૫૦ વચ્ચની રેન્જ પાણી પીવા માટે નહીં પણ સિંચાઈ માટે ઉપયુક્ત હોવાનુ દર્શાવે છે.
--નાઈટ્રેટઃ પાણીમાં ખાતર અને જંતુનાશક દવાઓના કારણે, ગટરનું પાણી કે એનિમલ વેસ્ટ ભળવાના કારણે નાઈટ્રેટ જોવા મળે છે.નાઈટ્રેટનું પાણીમાં મહત્તમ પ્રમાણ ૪૫ મિલિગ્રામ પર લિટર હોવું જોઈએ.
--એસિડિટીઃ એસિડ રેઈન, ઔદ્યોગિક પ્રદૂષણના કારણે કે પછી એસિડવાળી જમીન અથવા ખડકોના કારણે પાણીમાં એસિડિટી જોવા મળતી હોય છે.વધારે પડતી એસિડિટી પાણીના કેમિકલ સંતુલન પર અસર કરે છે, પાઈપોને કાટ લાગે છે.સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે.જોકે એસિડિટી માટે કોઈ ચોક્કસ મર્યાદા નક્કી કરાઈ નથી.