માવઠાંના કારણે ખેતીના પાકને થયેલાં નુકશાનીનો સર્વે શરૂ : 80 ટીમો કામે લાગી
- ગત સપ્તાહે જિલ્લામાં ભારે પવન સાથે પડયો હતો કમોસમી વરસાદ
- બાગાયતી અને ઉનાળું પાકનો શરૂ થયેલો સર્વે આગામી સપ્તાહે પૂર્ણ થઈ જવાની શક્યતાઃ મહુવા,તળાજામાં ભારે નુકશાનીનો પ્રાથમિક અંદાજ
ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહે પડેલાં ભારે વાવઝોડાં સાથેના કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે ત્યારે, જિલ્લા ખેતીવાડી વિભાગે ૧૦ તાલુકામાં અલગ-અલગ ૮૦ ટીમો સર્વે શરૂ કર્યો છે. આગામી સપ્તાહે સર્વે પૂર્ણ થયા બાદ જિલ્લામાં ખેતી પાકને થયેલાં નુકશાનનો અંદાજ બહાર આવશે.
રાજ્યના મોટાભાગના વિસ્તારોની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં ગત સપ્તાહે ભારે વાવાઝોડાં સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સતત એક સપ્તાહ સુધી સતત અને સમાંતર રીતે પડેલાં ભારે પવન સાથે પડેલાં માવઠાંના કારણે એક તરફ કેરી, લીંબુ, કેળ સહિતના બાગાયતી પાકોને વ્યાપક નુકશાન થવાની સાથે પાક નિષ્ફળ ગયાનો બાગાયતી ખેડૂતોએ બળાપો વ્યક્ત કર્યો હતો. તો,બીજી તરફ કમોસમી વરસાદના પગલે બાજરી,મગફળી,ડુંગળી સહિતના ઉનાળું પાકને પણ નુકશાન થયું હતું.જિલ્લાના મહુવા, તળાજા અને તેની આસાપાસના તાલુકામાં પડેલાં અંદાજે સાત ઈંચથી વધુ ભારે વરસાદના કારણે ખેતરોમાં ગોઠણ સમાં પાણી ભરાઈ ગયાની પણ ફરિયાદો ઉઠી હતી. જો કે, વરસાદે ખમૈયાં કરતા જિલ્લા ખેતીવાડી વિભાગે માવઠાંથી ખેતીના પાકોને થયેલાં નુકશાનીનો સર્વે હાથ ધર્યો છે.
જિલ્લા ખેતીવાડી વિભાગના ઈન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે, માવઠાંથી ખેતી પાકોને થયેલાં નુકશાનીનો સચોટ સર્વે થાય તે માટે જિલ્લાને ૧૦ તાલુકા કક્ષામાં વહેંચી દેવામાં આવ્યો છે અને તમામ તાલુકાની મળી કુલ ૮૦ ટીમ બનાવવામાં આવી છે. જેમાં એક કર્મચારી ખેતીવાડી વિભાગમાંથી જયારે અન્ય એક સ્થાનિક તલાટીને ટીમમાં કામગીરી સોંપવામાં આવી છે. ટીમ દ્વારા નુકશાનગ્રસ્ત ખેતર કે વાડીએ જઈ તેની જીપીએસ લોકેશનના આધારે નોંધણી કરી સર્વે કરવામાં આવી રહ્યો છે. જે સંભવતઃ આગામી સપ્તાહે પૂર્ણ થઈ જશે. આ સર્વેના આધારે તાલુકા દીઠ અને પાક આધારિત નુકશાનીનો અંદાજ જાણવા મળશે તેમ તેમણે વિગતો આપતાં અંતમાં જણાવ્યું હતું.પ્રાથમિક અંદાજ મુજબ જિલ્લામાં સૌથી વધુ તળાજા અને મહુવામાં ખેતીના પાકોને સૌથી વધુ નુકશાન થયાનીં સર્વેના પ્રાથમિક તારણમાં વિગતો બહાર આવી છે.
33 ટકાથી વધુ નુકશાની હશે તે ખેડૂતને સહાય મળશે
ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે,સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલીસી અંતર્ગત કમોસમી વરસાદના કારણે થયેલાં વિવિધ પાકોના નુકશાની માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં જે ખેતર કે વાડીમાં પાક ઉભો હોય તે પૈકી કેટલાં પાકને નુકશાન થયું છે તેનો સર્વે કરવામાં આવે છે. જેટલાં ભાગમાં પાકને નુકશાન થયું હોય તેમાં પ્રાથમિક દ્રષ્ટીએ ૩૩ ટકાથી વધુ નુકશાની અંદાજ જણાય તો તે પાક માટે ખેડૂતને સહાય મળવાપાત્ર ગણી શકાય જયારે, જે કિસ્સામાં આ પ્રાથમિક અંદાજ પૂર્ણ થતો ન હોય તો તે ખેડૂતને સહાય મળવાપાત્ર થતી નથી. તેમ સૂત્રોએ વિગત આપતાં અંતમાં જણાવ્યું હતું.