સુરતીઓ રાંધણ છઠની પરંપરાગત વાનગીઓ માટે હવે ઘરના બદલે કેટરીંગવાળા પર નિર્ભર
image : Social media
Surat : રવિવારથી શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારની મોસમ શરૂ થઈ જાય છે અને આ તહેવારોમાંનો મહત્વનો તહેવાર રાંધણ છઠ અને શીતળા સાતમ છે. જોકે, હવે લોકો પાસે સમયનો અભાવ અને વિવિધ વાનગીઓ બનાવવાની આળસ છે પરંતુ હજુ પણ અનેક લોકોએ પરંપરાગત શીતળા સાતમની વાનગી ખાવી છે પણ ઘરે બનાવવાની કડાકૂટમાં પડવું ન હોવાથી રસોઈયા કે કેટરર્સ પાસેથી તૈયાર લેતા થયા છે. જેના કારણે આ દિવસોમાં આ પ્રકારનો ધંધો કરનારાઓને તડાકો થઈ રહ્યો છે.
સુરતમાં એક નહીં પરંતુ બે રાંધણ છઠની ઉજવણી થાય છે અને હજી પણ અનેક લોકો શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવા સાથે પરંપરાગત વાનગીઓ આરોગવાનો આગ્રહ રાખે છે જોકે, આજના ફાસ્ટ જમાનામાં સુરતના મોટાભાગના ઘરોમાં રાંધણ છઠના દિવસે પરંપરાગત વાનગીઓ બનાવવાની પ્રથા થઈ રહી છે. તેમ છતાં હજી પણ અસલ સુરતી પરિવાર કહેવાતા સમાજમાં આજે પણ રાંધણ છઠના દિવસે અનેક વાનગીઓ બનાવવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક પરિવારો એવા છે કે જેઓએ શીતળા સાતમના દિવસે પરંપરાગત ખોરાક ખાવો છે પરંતુ ઘરની મોટા ભાગની મહિલા જોબ કરતી હોવાથી તેમની પાસે સમય નથી આ ઉપરાંત નવી પેઢી પાસે શીતળા સાતમની વાનગીઓ બનાવવા માટેની કળા પણ જોવા મળતી નથી. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી શીતળા સાતમની પરંપરાગત રસોઈ બનાવવા માટે રસોઈયા અને કેટરર્સ જોવા મળી રહ્યાં છે. આ તહેવાર પહેલા તેઓ પરંપરાગત વાનગીનો ઓર્ડર લઈ લે છે અને વેચાણ કરે છે. તો કેટલાક તો હોમ ડીલીવરી પણ કરે છે.
પહેલાના જમાનામાં ખાંડ-ગોળના લાડુ, રવા મેંદાની પુરી, દેસાઈ વડા, ગોળની વેઢમી, મોહનથાળ, મસાલાપુરી, મગજ લાડુ, પાતરા, ચેવડો અને ગાંઠિયા, શીખંડ પુરી, મગ-ચણાનું શાક સહિતની અનેક વાનગીઓ બનાવતા હતા. પરંતુ હવે સમયનો અભાવ કે બનાવવાની કડાકૂટમાં લોકો પડવા માંગતા નથી જેથી સીધો રસોઈયા કે કેટરર્સ ઓર્ડર કરી દેવામાં આવે છે. સુરતમાં અનેક જગ્યાએ રસોઈયા કે કેટરર્સ રાંધણ છઠના દિવસે આ વાનગી બનાવીને વેચાણ કરતા થયા છે. જેના કારણે તેઓને તડાકો થઈ રહ્યો છે અને જે પરંપરાગત વાનગી આરોગવા માંગતા હોય તેમને ઘર બેઠા વાનગીઓ મળી રહી છે અને તેઓ તહેવારની ઉજવણી કરી રહ્યાં છે.
છઠના દિવસે ફરસાણની દુકાનો પર પાતરાનું ધુમ વેચાણ
હવે સમયનો અભાવ અને લોકોના ટેસ્ટના કારણે રાંધણ છઠમાં લોકો ઘરે વાગની બનાવવાનું ટાળી રહ્યા છે. રાંધણ છઠના દિવસે લોકો પાતરા ઘરે બનાવતા નથી પરંતુ ફરસાણની દુકાનમાં બનતાં પાતરા વેચાતા છઠના દિવસે લઈ આવે છે. જેના કારણે ફરસાણની દુકાનોમાં આ દિવસે પાતરાનો જથ્થો વધુ બનાવતા હોય છે. સુરતી લોકો ગોળ-આમલી અને ગરમ મસાલા વાળા પાતરા ખાતા હોય એટલે દુકાનોમાં આવા પાતરા વધુ બની રહ્યા છે.
પરંપરાગત વાનગી ન ખાનારા ઠંડી વાનગીમાં રેડીમેડ ફુડ આરોગે છે
સુરતમાં રાંધણ છઠના દિવસે ઘણા લોકો રસોઈયા કે કેટરર્સ પાસે પરંપરાગત વાનગી બનાવે છે તો એક વર્ગ એવો પણ છે કે શીતળા સાતમના દિવસે ઠંડુ તો ખાઈ છે પરંતુ પરંપરાગત વાનગીને બદલે ભેલ-પાણીપુરી-દહીં વડા, સેન્ડવીચ સહિતની અન્ય રેડીમેડ વાનગી ખાઈને સાતમની ઉજવણી કરે છે.
શીતળા સાતમમાં ઠંડો ખોરાક ખાવાની પરંપરા ચાલે છે પરંતુ આજના યંગસ્ટર્સ વાસી-ઠંડો ખોરાક હાઈજેનિક ન હોવાની વાત કરે છે. તો તેમના માટે શીતળા સાતમે ઠંડો પણ યંગસ્ટર્સને ભાવે તેવા ટેસ્ટનો ઠંડો ખોરાક સુરતીઓના ઘરમાં બને છે. તેમાં પણ યંગસ્ટર્સના જીવનમાં હેબીટ થઈ ગઈ છે તેવી પાણી પુરી, દહીપુરી, દહીં વડા, સેન્ડવીચ બનાવે છે અને બંગાળી મીઠાઈ તૈયાર લઈ આવે છે. આ વાનગી શીતળા સાતમના દિવસે યંગસ્ટર્સ હોંશે હોંશે ખાઈ સાતમના તહેવારની ઉજવણી કરે છે.
સુરતમાં આમ તો પાણી પુરીનું વેચાણ બારેમાસ થાય છે સુરતમાં પાણી પુરી માટેની પુરી બનાવનારા લોકો માટે 365 દિવસ સિઝન હોય છે પરંતુ રાંધણ છઠના દિવસે પુરીનું વેચાણ કરનારાઓને તડાકો થઈ જાય છે રોજ પુરીનું વેચાણ થાય તેના કરતાં અનેકગણું વેચાણ થઈ જાય છે.