જેનું અસ્તિત્વ નથી તેવી શાળાના સ્કૂલ લિવિંગ સર્ટી અને રીઝલ્ટ અપાતા આશ્ચર્ય

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તપાસ કરાશે : મોરબીમાં ખાનગી શાળાના નામે ચાલતા કરતૂતો અંગે અવારનવાર રજૂઆતો છતાં પગલાં નહીં લેવાતા હોવાની ફરિયાદ
મોરબી, : મોરબીની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને બીજી શાળામાં એડમીશન લેવું હોવાથી સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ અને રીઝલ્ટ માંગતા શાળાએ અન્ય શાળા જેનું કોઈ અસ્તિત્વ જ નથી તેવી શાળાના નામના સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ અને રીઝલ્ટ આપી દેતા આ મુદ્દો શિક્ષણ જગતમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
મોરબીના રહેવાસી અશ્વિનભાઈ મોટકાએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેનો સાળો પરમાર ભરતકુમાર મફતભાઈ ક્રિષ્ના વિધાલય મહેન્દ્રનગરમાં ધો. 9 માં અભ્યાસ કરતો હતો. શાળામાં શિક્ષણ સારું ના હોવાથી અન્ય સ્કૂલમાં એડમીશન લેવાનું હોવાથી શાળામાં સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ માંગ્યું હતું. બે માસ સુધી ઓનલાઈન નીકળશે અને અલગ અલગ બહાના બનાવી સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ આપ્યું ના હતું. અને બાદમાં સંસ્કાર વિધ્યાલય સજનપરનું સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ આપ્યું હતું. જે શાળા ક્યાય છે જ નહિ તેવું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું અને સંસ્કાર વિદ્યાલયનું ધો ૯ નું રીઝલ્ટ પણ આપી દીધું હતું. જોકે વિદ્યાર્થી ક્રિષ્ના વિધાલયમાં અભ્યાસ કરતો હતો પરંતુ સ્કૂલ લીવીંગ અને રીઝલ્ટ અન્ય શાળાનું આપ્યું એટલું જ નહિ, જે શાળાના સર્ટીફીકેટ અને રીઝલ્ટ આપ્યા તેનું અસ્તિત્વ જ નથી. બાદમાં શાળામાં વાત કરતા ભારતી વિધાલય મહેન્દ્રનગરનું રીઝલ્ટ આપ્યું હતું. જે શાળા પણ મહેન્દ્રનગર ગામમાં ના હોવાનું અશ્વિનભાઈ જણાવી રહ્યા છે. જે અંગે શિક્ષણાધિકારી કચેરી સુધી રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સમગ્ર વિવાદ અંગે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ જણાવ્યું હતું કે વિધાર્થીની માર્કશીટ અને સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ અંગે રજૂઆત મળી છે. જે અંગે મદદનીશ કેળવણી નિરીક્ષકને તપાસ સોપવામાં આવી છે શાળાને નોટીસ પણ આપી છે. શાળા નોટીસનો જવાબ આપે પછી કસુરવાન જણાય તો કડક પગલા લેવામાં આવશે.








