આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું
- શનિવારે સવારે 11 ને બદલે શુક્રવારે રાતે 11.30 ઓચિંતી મુલાકાત
- સર ટી.હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઓચિંતી સમિક્ષા કરી, સ્વચ્છતા સહિતના મુદ્દે અધિકારીઓનો ક્લાસ લીધો
ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની મિટિંગમાં આજે સવારે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવવાના હતા. પરંતુ તેમના પૂર્વ નિર્ધારિત શેડયૂલ પહેલા જ તેઓ શુક્રવારે રાત્રિના ૧૧.૩૦ કલાકના ઓચિંતા હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે શુક્રવારે રાત્રે ટ્રોમા સેન્ટરમાં આવતા ઈમર્જન્સી કેસોમાં દર્દીઓને કેવી સુવિધા મળે છે અને સ્ટાફ તથા ડોક્ટર પુરતા છે કે કેમ તે અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. આરોગ્ય કમિશનરની ઓચિંતી મુલાકાતથી હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયાં હતા. આ ઉપરાંત તેઓ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. તેમની આ સરપ્રાઈઝ વિઝિટ એક કલાક સુધી ચાલી હતી. બીજી તરફ આરોગ્ય કમિશન આવ્યા હોવાથી હોસ્પિટલમાં રંગરોગાનનું કામ શરૂ કરી દેવાયું હોવાની વાતને રદિયો આપતા હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયું હતું કે, હોસ્પિટલમાં સમારકામની રૂટિન કામગીરી હતી. જે બાદ આજે સવારે રોગી કલ્યાણ સમિતિમાં હોસ્પિટલના દર્દીઓની ઓપીડી, આઈપીડી સહિત સુવિધાઓ અને ખુટતી સુવિધાઓ મુદ્દે, તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગામી દિવસોમાં ઓપીડી શરૂ કરવા બાબતે ચર્ચા થઈ હતી.
કમિશનરે અધિકારીઓના ક્લાસ લીધાં
હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સરપ્રાઈઝ વિઝિટ બાદ આરોગ્ય કમિશનરે હોસ્પિટલના અધિકારીઓના ક્લાસ લીધાં હતા. હોસ્પિટલમાં સ્વચ્છાતા જળવાય તથા વર્ગ-૪થી લઈને અધિકારી કક્ષા સુધીના દરેક લોકો પોતાના સ્તરે સારી કામગીરી કરે તેવી સુચના આપી હતી. તેમજ જે કોઈ યોગ્ય કામ ના કરતું હોય વિભાગમાં જાણ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં વિભાગિય વડાઓના આંતરિક રાજકારણ બંધ થાય તે બાબતે પણ ટકોર કરી હતી.