એક દિવસમાં સયાજી હોસ્પિટલમાં ૧૦ દર્દીઓની સર્જરી
સ્વર પેટી અને શ્વાસનળીની તકલીફ ધરાવતા પરપ્રાંતિય દર્દીઓ પણ આવ્યા
વડોદરા,સયાજી હોસ્પિટલમાં યોજાયેલા વર્કશોપમાં સ્વર પેટી અને શ્વાસનળીની તકલીફ વાળા ૧૦ દર્દીઓની સર્જરી કરાઇ હતી. આ વર્કશોપમાં ગુજરાત ઉપરાંત એમ.પી. અને યુ.પી.ના દર્દીઓ પણ આવ્યા હતા.
સયાજી હોસ્પિટલમાં ઇએનટી ડિપાર્ટમેન્ટ દ્વારા ૧ લી અને ૨ જી મે ના રોજ એક સર્જિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરના ડોક્ટરો પણ હાજર રહ્યા હતા. વર્કશોપ દરમિયાન જટિલ એર વે ( સ્વર પેટી અને શ્વાસનળી) ની સમસ્યા ધરાવતા ૧૦ દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. સયાજી હોસ્પિટલના ઇએનટી ડિપાર્ટમેન્ટમાં છેલ્લા ૧૦ વર્ષથી શ્વાસનળી સાંકડા થવાના કેસોનું સક્રિયપણે સંચાલન થઇ રહ્યું છે. અત્યારસુધી ૫૦ થી વધુ કેસોની સફળતા પૂર્વક સારવાર કરવામાં આવી છે. જેના કારણે દર્દીઓને શ્વાસનળી ટયૂબ પર આધાર રાખ્યા વગર જ સામાન્ય અવાજ અને શ્વાસ લેવાનું શક્ય બન્યું છે.