સુરેન્દ્રનગરના યુવકે હિન્દુ મંદિરો પર ઉશ્કેરણીજનક ટિપ્પણી કરતા રોષ
વિહિપના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
કોમી વૈમનસ્ય ફેલાવનાર યુવક સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા લોકોની માંગ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુુ પરિષદ દ્વારા સોશિલ મીડિયા પર હિન્દુ ધર્મના મંદિરો અને લાગણીઓ વિરૃધ્ધ ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર વ્યક્તિ વિરૃધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું આ તકે મોટીસંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
તાજેતરમાં ઈનસ્ટાગ્રામ પર એક હિન્દુ મંદિર તોડી પાડવામાં આવી રહ્યું હોવાનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ પોસ્ટ ઈનસ્ટાગ્રામ પ્રોફાઈલ ધરાવતા એક વ્યક્તિએ જાહેરમાં ટીપ્પણી કરી પોતે ત્યાં હાજર હોત તો મંદિરને બાળી નાંખ્યું હોત તેવી ટીપ્પણી કરી હતી. આ અપમાનજનક ટીપ્પણીથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે તેમજ હિન્દુ ધર્મના પવિત્ર મંદિરોને નષ્ટ કરવાની સીધી અને હિંસક ખુલ્લી ધમકી આપવામાં આવી છે તેમજ આવી ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ સમાજમાં ભય, તણાવ અને ધાર્મિક અશાંતી ફેલાવાનો ઘાતકી પ્રયાસ છે તેમજ મળતી માહિતી મુજબ ટીપ્પણી કરનાર વ્યક્તિ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે વિવિધ કાયદાઓ હેઠળ આવી ટીપ્પણી ગંભીર ગુન્હાઓ ગણાય છે જેથી કરીને હિન્દુ ધર્મના મંદિરો વિશે ઉશ્કેરણીજનક ટીપ્પણી કરનાર વ્યક્તિઓ સમક્ષ ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે મોટીસંખ્યામાં વિહિપના હોદ્દેદારો, આગેવાનો સહિત હિન્દુ ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.