સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં બીજે દિવસે પણ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાતા હાલાકી

- ટાવર રોડ, એ-ડિવીઝન પોલીસ મથક સામે સહિતના માર્ગો પર વરસાદી પાણી ભરાયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં સતત બીજે દિવસે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શુક્રવારે બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ અંગે મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં બીજે દિવસે પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડયો હતો. ધોધમાર વરસાદને પગલે એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી જ્યારે બીજી બાજુ શહેરના અમુક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેરઠેર વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો જેમાં શહેરના ટાવર રોડ પર લાયબ્રેરી પાસે તેમજ એ-ડિવીઝન પોલીસ મથક સામે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ રહેતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને બાળકો વરસાદી પાણીમાં નહાતા તેમજ મોજ મસ્તી કરતા નજરે પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર ચોમાસામાં લોકો સહિત વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડે છે તેમ છતાંય ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.








