Surendranagar News: ગુજરાતમાં એવી તો કેવી દારૂબંધી છે કે એક જ જિલ્લામાં 633 બુટલેગરો નીકળ્યા, હાલ એવી સ્થિતિ ઊભી થઈ છે ગુજરાતમાં છડે ચોક દારૂની હાટડીઓ ધમધમી રહી છે. તેનો પુરાવો ખુદ સુરેન્દ્રનગર પોલીસે આપ્યો છે, હાલમાં જ સુરેન્દ્રનગર SP દ્વારા 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં નવાઈની વાત તો એ છે કે 102 મહિલાના નામ છે, પ્રોહિબિશનની પ્રવૃતિઓને ડામવા બુટલેગરોની આ યાદી જાહેર કરવામાં આવી છે પણ એ સવાલ ઊડીને આંખે વળગે છે કે 633 બુટલેગરો કોના ચાર હાથ નીચે મોટા થયા અને સુરેન્દ્રનગરમાં દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા?
બુટલેગર પર રખાશે બાજ નજર!
રાજ્યના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત બુટલેગરોના નામ સરનામા સાથેની યાદી પોલીસે પ્રસિધ્ધ કરી છે, હવે જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તે ઘરે દર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવાના રહેશે. બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ બુટલેગરને કચેરીએ બોલાવીને કડક એક્શન લેવાશે તેવી સૂચના આપી છે. વધુમાં, દર મહિનામાં બુટલેગરોની આ યાદી અપડેટ કરવાની રહેશે. પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે પણ ક્યાંથી સુધી?, આ ડર કાયમ રહેશે તે યક્ષ પ્રશ્ન છે!
મહિલા અને યુવાનોના પણ નામ
ગુનાખોરી ડામવાના હેતુથી જિલ્લા પોલીસે જાહેર કરેલી આ યાદીમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે 633 બુટલેગરોમાંથી 102 મહિલાઓ છે ટકાવારી દ્રષ્ટિએ જોઈએ તો 17 ટકા આસપાસ મહિલા બુટલેગરો પણ છે. થાનગઢ વિસ્તારના કુલ 32 ઈસમોનો સમાવેશ છે જેમના પર પોલીસ કડક નજર રાખશે, યુવા બુટલેગરો પણ યાદીમાં સામેલ છે જે ચિંતાનો વિષય છે.


