સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામની શાળામાં ચાલુ ક્લાસે પંખો પડતાં બે વિદ્યાર્થીઓને ઈજા, બંનેને હોસ્પિટલ ખસેડાયા
AI Image |
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામની એક શાળામાં આજે એક ગંભીર દુર્ઘટના બની હતી, જેમાં શાળાની બેદરકારીના કારણે બે નિર્દોષ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. ચાલુ ક્લાસે અચાનક પંખો નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઝીંઝુવાડાની શાળામાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ છત પરથી પંખો નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આ ઘટનાના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
શાળા શિક્ષકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઇજાગ્રસ્ત બંને વિદ્યાર્થીઓને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક વિરમગામની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે શાળા દ્વારા વર્ગખંડોના સાધનોની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે આવા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.