Gujarat

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: 'બારદાન'ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂતો પાસેથી ખરીદી!

By GS TEAM
18 May 20262 mins read
TukuTouch Logo
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત 22 એપ્રિલથી ખરીદી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હોવા છતાં, આજે આખો મહિનો વીતી જવા આવ્યો તોય જવાબદાર તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: 'બારદાન'ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂતો પાસેથી ખરીદી!
ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન થતાં વ્યથા ઠાલવી

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત 22 એપ્રિલથી ખરીદી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હોવા છતાં, આજે આખો મહિનો વીતી જવા આવ્યો તોય જવાબદાર તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.

'બારદાન' (કોથળા) ન હોવાનું ગાણું 

સાયલા પંથકમાં કુલ 110 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એક મહિનામાં માત્ર 4 જ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરવામાં આવી છે. પુરવઠા વિભાગ પાસે ઘઉં ભરવા માટે 'બારદાન' (કોથળા) ન હોવાનું ગાણું ગવાઈ રહ્યું છે, જેને કારણે જગતનો તાત કાળઝાળ ગરમીમાં મુશ્કેલીમાં મુકાયો છે. ઘઉંનું વેચાણ ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં સપડાયા છે અને આગામી ચોમાસુ સીઝન માટે ખાતર, બિયારણની ખરીદી કે નવા વાવેતરનું આયોજન પણ કરી શકતા નથી.

ઝડપથી આ સમસ્યાનું સમાધાન આવે: ખેડૂત

ભરતભાઈ નામના ખેડૂતે કહ્યું કે, 'ઘઉંની ટેકાના ભાવે ખરીદી 22 એપ્રિલથી ચાલુ થઈ ગઈ છે પરંતુ સાયલા તાલુકામાં માત્ર 4 ખેડૂતો પાસેથી જ ઘઉં લેવામાં આવ્યા છે. બાકીના લોકો ધક્કા ખાઈ રહ્યા છે. આવનાર સીઝનનું ખાતર-બિયારણ લેવા માટે પણ આયોજન થઈ શકતું નથી. બારદાન ન હોવાનું જાણવા મળ્યું છે. તેથી ખરીદી અટકી પડી છે. તો ઝડપથી આ સમસ્યાનું સમાધાન આવે અને ખેડૂત હાલ આર્થિક તંગીની પરેશાન થઈ રહ્યો છે તો વહેલી તકે ખરીદી શરૂ થાય તેવી માગ છે.'

'ખેડૂતોને તકલીફ પડી રહી છે'

વનરાજભાઈ નામના ખેડૂતે કહ્યું કે, 'એક મહિનો થવા આવ્યો છતાં બારદાનના વાંકે બાકી છે તે ખેડૂતોની ખરીદી શરૂ કરી નથી. તો ખેડૂતોએ મહામહેનતે ઉપજ લીધી હોય અને જરૂરિયાત હોય ત્યારે માલ ન વેચાવવાથી તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.'

આ પણ વાંચો: કચ્છના રાપરમાં 'મામાદેવ મંદિર'ના પૂજારીએ ગાંજો વાવ્યો, 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ

તંત્રની આળસ સામે ઉઠતા વેધક સવાલો

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સાયલાનું વહીવટી તંત્ર સામાન્ય બારદાનની વ્યવસ્થા પણ કરી શકતું નથી, જે વહીવટી લાપરવાહીની ચાડી ખાઈ છે.  જો 22 એપ્રિલથી ખરીદી શરૂ કરવાની જાહેરાત થઈ હતી, તો પુરવઠા વિભાગે અગાઉથી જ બારદાનની પૂરતી વ્યવસ્થા કેમ ન કરી? 1 મહિનામાં માત્ર 4 જ ખેડૂતોની ખરીદી કરીને બાકીના 106 ખેડૂતોને ક્યાં સુધી ભગવાન ભરોસે રાખવામાં આવશે? બારદાનના અભાવે ખેડૂતોના ઘઉં બગડશે અથવા તેમણે નાછૂટકે નીચા ભાવે વેપારીઓને વેચવા પડશે, તો તેના નુકસાનની જવાબદારી કોણ લેશે? શું જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક પગલાં લેવાશે ખરા, કે પછી ખેડૂતો આમ જ ધક્કા ખાતા રહેશે?