Surendranagar Land Scam Case: સુરેન્દ્રનગરમાં જમીન એનએ કૌભાંડમાં ઈડીએ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડીએ ધરપકડ કરી હતી. દિલ્હીની સોલાર કંપની સ્થાપવા માટે ચંદ્રસિંહ મોરીએ 42 લાખ રૂપિયાની લાંચ લીધી હોવાની ઇડીની પૂછપરછમાં બહાર આવ્યાની ચર્ચા ઊઠી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સ્ટાફને ઇડીએ તપાસ માટે સમન્સની બજવણી કરી છે. કલેક્ટર સહિત સામે અપ્રમાણસર મિલક્તના ગુનાની તપાસ એસીબીએ શરૂ કરી છે.
જાણો શું છે મામલો
સુરેન્દ્રનગરમાં 23મી ડિસેમ્બરે ઈડીની અલગ અલગ ટીમોએ જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલના નિવાસ સ્થાને ઇડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચંદ્રસિંહ મોરીની ઇડીએ ધરપકડ કરીને નવ દિવસના રિમાન્ડ મેળવીને દિલ્હી લઇ ગઇ છે. દિલ્હીમાં ચંદ્રસિંહ મોરીની ઇડીની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં દિલ્હીની સોલાર કંપની પાસેથી જમીન એનએ કરવા માટે ચંદ્રસિંહ મોરીએ 42 લાખની લાંચ લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત ઇડીએ કલેક્ટર કચેરીના સ્ટાફને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે.
દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજો અને ડાયરીમાં હિસાબો, કંપનીઓના નામો, વહીવટ કરેલા લોકોના નામો સહિતની તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે. જેમાં એનએ કરાવવા માટે વકીલ, દલાલો અને વચેટીયાઓના નામો તેમજ અન્ય 10થી વધુ ઉચ્ચ અધિકારીઓ સામે આગામી દિવસોમાં ઇડી દ્વારા સકંજો કસવામાં આવશે.
ઉચ્ચ અધિકારીઓ સામે અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર એસીબી પોલીસમાં જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલ સામે અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધાયો હતો. સુરેન્દ્રનગર એસીબી કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કચેરીના દરવાજા બંધ કરીને કૌભાંડ મામલે નિવેદનો, બેન્ક ખાતાની વિગતો સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબી પણ કાર્યવાહી કરે તેવી સંભાવના છે. જો કે, આ મામલે એસીબીના અધિકારીઓએ કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે.


