Gujarat

સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી

By GS TEAM
6 Mar 20261 min read
સુરેન્દ્રનગર મનપાએ વધુ 3 બાકીદારોની મિલકત સીલ કરી

નોટિસ પાઠવ્યા બાદ પણ મિલકત વેરો નહી ભરતા

ત્રણેય મિલકતદારોએ રૃ.૯.૪૬ લાખનો વેરો નહીં ભરતા મનપાએ કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મનપાએ વધુ ત્રણ બાકીદારોની મિલકત સીલ કરી છે. ત્રણેય મિલકતદારોને નોટિસ પાઠવ્યા બાદ પણ રૃ.૯.૪૬ લાખનો વેરો ભર્યો નહતો.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે ઝુંબેશ હેઠળ વેરો ન ભરનારા બાકીદારોને અગાઉ નોટિસો ફટકારવામાં આવી હતી તેમ છતાં વેરો ભરવામાં ન આવતા તેમની મિલકતો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ગૌરાંગભાઈની મિલકત પર રૃ. ૪,૧૩,૮૦૦ના બાકી વેરાના કારણે સીલ મારવામાં આવ્યું હતું તેમજ અનિલભાઈ ડાયાભાઈ પરમારની મિલકત પર રૃ. ૨,૩૩,૭૧૭ના બાકી વેરાના કારણે સીલ લગાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભારત જીનિંગ એન્ડ પ્રેસિંગ ફેક્ટરીની મિલકત પર રૃ.૩૦ લાખથી વધુના બાકી વેરાના કારણે સીલ મારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અનેક બાકીદારો સામે આવી કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.