સુરેન્દ્રનગર મનપાના ઢોર પાર્ટીનું ટ્રેક્ટર વીજ પોલ સાથે અથડાયું
- ટ્રેક્ટર ચાલકની બેદરાકરીથી લોકોના જીવ તાળવો ચોંટયા
- દાળમીલ રોડ પર ત્રણ વીજ પોલ પડી જતાં તંત્રએ સમારકામ હાથ ધરી વીજ પુરવઠો પૂર્વવત્ કર્યો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર મનપા તંત્રના ટ્રેકટરચાલક દ્વારા વિજપોલ પાડી દેવામાં આવતા કલાકો સુધી આ વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાઈ જતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જ્યારે બપોરનો સમય હોવાથી જાનહાની ટળી હતી.
દાળમીલ રોડ પર શક્તિ માતાજીના મંદિર જતાં રસ્તા પર ચોકમાં જ મનપા તંત્રના ઢોર પકડવાના ટ્રેકટરના ચાલક દ્વારા બેદરકારીથી ટર્ન લેતા વીજ પોલ સાથે ધડાકાભેર ટ્રેકટર અથડાવતા બેથી ત્રણ વીજ પોલ તુટીને નીચે જમીન પર પડતા આસપાસના લોકોમાં તેમજ દુકાનદારો અને વાહનચાલકોમાં પણ ભય જોવા મળ્યો હતો. જ્યારે ટ્રેકટર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં પીજીવીસીએલ તંત્રની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી રિપેરીંગની કામગીરી હાથધરી હતી.
વીજ પોલી પડી જતા વિસ્તારમાં અંદાજે બેથી ત્રણ કલાક સુુધી વીજ પુરવઠો બંધ રહ્યો હતો. બપોરનો સમય હોવાથી આ રસ્તા પર લોકોની અવર-જવર ઓછી હોવાથી સદ્દનસીબે જાનહાનીનો બનાવ બન્યો નહોતો જ્યારે આ મામલે જવાબદાર ટ્રેકટરના ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.