Get The App

સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સાથે માર્ચમાં મે મહિના જેવી ગરમી

Updated: Mar 11th, 2025

GS TEAM


Google News
Google News
સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી સાથે માર્ચમાં મે મહિના જેવી ગરમી 1 - image


- જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ

- જિલ્લામાં રેડ એલર્ટની અસર : શહેરની બજારો અને રસ્તાઓ બપોરના સમયે સુમસામ બન્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ મે મહિના જેવી હાશતોબા પોકારતી ગરમીનો કહેર વર્તાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. દિવસે વધેલી ગરમીનું અસર રાત્રિના સમયે પણ રહી હતી. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ જેના ભાગરૂપે પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર જીલ્લામાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચી જતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા.

હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર સહિત સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, જુનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ગરમીને લઇ આગાહી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જીલ્લાનો રેડ એલર્ટમાં સમાવેશ થતા તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચ્યો હતો જેના કારણે સવારથી જ ઝાલાવાડવાસીઓને અસહ્ય ગરમી સહન કરવાનો વારો આવ્યો હતો. જ્યારે બપોરના સમયે આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી અને બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો સહિત બજારો સુમસામ ભાસી રહી હતી અને કર્ફયુ જેવો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે બાળકો, યુવાનો, મોટેરાઓ અને મહિલાઓ ગરમીથી રાહત મેળવવા શેરડીનો રસ, લીંબુ શરબત, ઠંડાપીણા, સોડા વગેરે પીતા નજરે પડયા હતા. હવામાન વિભાગ દ્વારા આજે પણ સુરેન્દ્રનગર જીલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યુું છે. ત્યારે આજે પણ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે જીલ્લાનું વહિવટી તેમજ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે અને લોકોને ગરમીથી બચવા ખાસ તકેદારો રાખવા ખાસ અપીલ કરવામાં આવી છે.

ગરમીથી બચવા પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, તાળફળી, નાળીયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્વાવણ, ઓઆરએસ વગેરે પુષ્પક પ્રમાણમાં પીવું, ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવું, સફેદ રંગના સુતરાઉ કાપડના તેમજ આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો, બજારનો ખુલ્લો અને વાસી ખોરાક ન ખાવો, દ્વાશ, કાચી કેરી, તરબુચ વગેરે ફ્રુટોનું સેવન કરવું તેમજ ગંભીર સમસ્યા સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પીટલનો સંપર્ક કરવો સહિતની તકેદારી રાખવા જણાવાયું છે.


Tags :