Gujarat

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા

By GS TEAM
11 Feb 20262 mins read
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર વર્ગ-3ના કર્મચારીએ લાકડી વડે હુમલો કયા

'પૈસા તો આપવા જ પડશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો', કહી

જાંબડી ગામના વિકાસ કામ માટે કર્મચારીએ સરપંચ પાસે ૫૦ હજારની માંગણી કરી હતી ઃ કારોબારી ચેરમેને કર્મચારીને બોલાવી લાંચ કેમ માંગી તેમ પુછતા મામલો બિચક્યા

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષના પદાધિકારીઓ જ સુરક્ષિત ન હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જશુભા સોલંકી પર પંચાયતના જ એક કર્મચારીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. વિકાસના કામોની ગ્રાન્ટની વહીવટી મંજૂરી માટે નાણાંની માંગણી મુદ્દે થયેલી પૂછપરછ બાદ આ હિંસક ઘટના બની હોવાનું પ્રાથમિક વિગતોમાં બહાર આવ્યું છે.

 

ઘટનાની વિગત મુજબ, લીંબડી તાલુકાના જાંબડી ગામના સરપંચ વનરાજભાઈ રોજાસરાએ કારોબારી ચેરમેન જશુભા સોલંકીને રજૂઆત કરી હતી કે તેમના ગામના વિકાસના કામોની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, પરંતુ વહીવટી મંજૂરી માટેની ફાઈલ વર્ગ-૩ના કર્મચારી મહાવીર ડાયમા પાસે અટવાયેલી છે. સરપંચનો આક્ષેપ હતો કે આ ફાઈલ આગળ વધારવા માટે કર્મચારી દ્વારા રૃ.૫૦,૦૦૦ની લાંચ માંગવામાં આવી રહી છે.

 

આ બાબતે જ્યારે ચેરમેન જશુભા સોલંકીએ કર્મચારી મહાવીર ડાયમાને બોલાવીને લાંચ કેમ માંગી તેની પૂછપરછ કરી, ત્યારે કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને 'પૈસા તો આપવા જ પડશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો' તેમ કહી ઉદ્ધત વર્તન કર્યું હતું. મામલો ત્યારે બિચક્યો જ્યારે ચેરમેન પોતાની ઓફિસની બહાર આવ્યા, ત્યારે મહાવીર ડાયમાએ બેફામ ગાળો આપી પ્લાસ્ટિકની લાકડી વડે ચેરમેન પર હુમલો કરી દીધો હતો. આ સમયે શાસક પક્ષના નેતા મોહનભાઈ દોરીયા અને ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા પણ ત્યાં હાજર હતા.

 

હુમલાની આ ઘટના બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેકૃષ્ણ પટેલ, શાસક પક્ષના નેતા અને અન્ય સભ્યો મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકે દોડી ગયા હતા. જોકે, નવાઈની વાત એ છે કે શરૃઆતમાં પોલીસે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે સ્થાનિક ધારાસભ્યએ પોલીસ અધિકારીને ફોન કર્યોે, ત્યારે જઈને માંડ લેખિત અરજી સ્વીકારવામાં આવી હતી.

 

હાલમાં પોલીસે માત્ર લેખિત ફરિયાદ લીધી છે અને હજુ સુધી એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. અગાઉ આઈસીડીએસ વિભાગના ચેરમેન પર પણ હુમલો થયો હોવાના કિસ્સા યાદ કરી પદાધિકારીઓએ પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો સત્વરે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.