Road accident: સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બોલેરો પીકઅપ અને સીએનજી રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં રિક્ષા ચાલક સહિત તેની પત્નીનું મોત નીપજ્યું છે. બનાવને પગલે પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
ધ્રાંગધ્રાથી પરત ફરતા હતા
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના વડનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશ મારૂણીયા (ઉ.વર્ષ 34) અને તેમના પત્ની સંગીતા મારૂણીયા (ઉ.વર્ષ 32) મોડી સાંજે રિક્ષામાં પેસેન્જર ભરી ધ્રાંગધ્રા ગયા હતા અને ત્યાં પેસેન્જરને મુકી પરત સુરેન્દ્રનગર ફરી રહ્યા હતા.
રિક્ષા નીચે ઉતરીને ઊભા હતા
જીગ્નેશભાઈ સીએનજી રિક્ષા ચલાવી રહ્યા હતા તેમના પત્ની પાછળ બેઠા હતા તે દરમિયાન કટુડા ગામના પાટિયા પાસે કોઈ કારણોસર રિક્ષા ઉભી રાખી હતી અને બન્ને પતિ-પત્ની રિક્ષા પાસે ઉભા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી બોલેરો પીકઅપ વાન ધડાકાભેર રિક્ષા સાથે અથડાઇ હતી, અકસ્માત એટલો ભયાનક હતો કે પીકઅપ પત્ની સંગીતા પર પલટી મારી ગઈ હતી, જેથી ગંભીર ઈજાઓ પહોંચતા સંગીતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: અંતરિક્ષમાં માનવીઓ માટે બનશે હોટેલ: બે કરોડમાં ચંદ્ર પર સ્ટે બુક કરો, જાણો વિગત…
પરિવારજનોમાં આક્રંદ
જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિક્ષા ચાલક જીગ્નેશ મારૂણીયાને સારવાર અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ રિક્ષા ચાલકનું પણ મોત નિપજ્યુ હતું. આમ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક દંપતીનું મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. આ અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. બંન્નેની અંતિમયાત્રામાં પરિવારજનો અને ગામલોકો હિબકે ચડયા હતા.


