Get The App

સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 1 - image


Enforcement Directorate Raid : સુરેન્દ્રનગર અને વઢવાણ પંથકમાં આજે વહેલી સવારથી જ ગાંધીનગર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ સપાટો બોલાવતા સરકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગાંધીનગરથી આવેલી 10થી વધુ ટીમોએ જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને વકીલ સહિતના લોકોના નિવાસસ્થાને દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 2 - image

કોના ઘરે પડ્યા દરોડા?

ગાંધીનગર EDની અલગ અલગ ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. સાથે જ વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતા અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પણ વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય મયુરસિંહ ગોહિલ અને ચેતન કણઝરીયા સહિતના વ્યક્તિઓ પણ EDની રડારમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 5 થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


1500 કરોડના મની લોન્ડરિંગના મામલે તપાસ!

સૂત્રો દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ, આ દરોડા પાછળનું મુખ્ય કારણ બેનામી સંપત્તિ અને મોટા પાયે થયેલું મની લોન્ડરિંગ હોવાનું મનાય છે. અંદાજે 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની કથિત સંડોવણી બહાર આવતા આ 'સરપ્રાઈઝ ચેકિંગ' હાથ ધરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ પ્રબળ બની છે.

સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 3 - image

સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી. જોકે, જિલ્લાના ઉચ્ચ અધિકારીના ઘરે જ ED ત્રાટકતા સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની ઝપેટમાં, ₹1500 કરોડના કૌભાંડની આશંકા 4 - image